– નડિયાદ નજીક સલુણ તળપદ પાસે પેઢીમાં ફૂડ વિભાગના દરોડા
– બટર ઓઇલમાં ઘીનું ફ્લેવર નાખીને ભેળસેળની આશંકાએ તપાસ, ઘીના ત્રણ નમૂના લઇ પરીક્ષણમાં મોકલાયા
નડિયાદ: નડિયાદ પાસેની સલુણ તળપદ ગામ પાસે આવેલી શ્રી ક્ષેમકલ્યાણી મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટસમાં ફૂડ વિભાગે ફરી દરોડો પાડયો હતો અને ૩૧૦૯ કિલોગ્રામ ઘી જપ્ત કર્યુ છે. આ ઘી ના જથ્થાના નમૂના લઇને પુથ્થકરણ માટે લેબરેટરીમાં મોકલવામાં આવ્યા છે.વેપારી બટર ઓઇલમાં ઘી નો ફ્લેવર નાખીને ભેળસેળીયુ ઘી બનાવતો હોવાની આશંકાએ ફૂડ વિભાગે તપાસ હાથ ધરી છે.
સલુણ તળપદ ગામે આવેલા શ્રી ક્ષેમકલ્યાણી મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટસમાં નડિયાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ગત તા. ૩ માર્ચ ૨૦૨૫ના રોજ દરોડા પાડીને તપાસ કરી હતી. જેમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ રેગ્યુલેશનનો ભંગ થતો હોવાનું તપાસમાં બહાર આવતા પેઢીને નોટિસ આપવામાં આવી હતી. તા. ૧૭ માર્ચે ૨૦૨૫ના રોજ પેઢી દ્વારા આપેલો જવાબમાં પૂર્તતા ન જણાતા તા.૧૯ માર્ચે ૨૦૨૫ના રોજ ફરી પેઢીમાં તપાસ કરવાનો હુકમ કરાયો હતો.
જેના અનુસંધાને આજે સલુણ તળપદ ગામે આવેલી શ્રી કલ્યાણી મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટસના જવાબાદર દિલીપસિંહ ખુમાનસિંહ રાઉલજીની હાજરીમાં ફૂડ વિભાગે દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં તૈયાર કરેલા ઘીના જથ્થાની ચકાસણી કરી હતી. જેમાં બટર ઓઇલમાં ઘી નો ફ્લેવર નાખીને ભેળસેળની આશંકાએ તપાસ કરી હતી. ઘી નો ૧૫૦૦ કિલોગ્રામ, બટર ઓઇલનો ૧૬૦૦ કિલોગ્રામ ઘી નો ફ્લેવર ૧ લીટર સહિત ૮.૭૫ લાખનો ૩૧૦૯ કિલોગ્રામ જથ્થો સીઝ કર્યો છે. ઘી ના ત્રણ નમૂના લઇ પરીક્ષણ માટે મોકલી આપવામાં આવ્યા છે. આ રિપોર્ટ આવ્યા બાદ નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે તેમ ફૂડ અધિકારી પિયુષ પ્રજાપતિએ જણાવ્યું છે.
– વારંવાર ગુનાહિત પ્રવૃતિ કરતા પેઢીનું એફ.એસ.એસ.એ લાયસન્સ સસ્પેન્ડ
શ્રી ક્ષેમકલ્યાણી મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટસ વારંવાર ભેળસેળની ગુનાહિત પ્રવૃતિમાં સંડોવાયેલી છે. ડેઝીગેટેડ ઓફિસર, ખોરાક અને ઓષધ નિયમન તંત્ર દ્વારા પેઢી સામે કાર્યવાહી હાથ ધરાઇ હતી અને આ પ્રવૃતિ ન કરે તે માટે પઢીને એફ.એસ. એસએ. લાઇસન્સ તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. તેમ તંત્રની યાદીમાં જણાવ્યું છે.