મુંબઈ : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ૨,એપ્રિલથી અનેક દેશો પર રેસિપ્રોકલ ટેરિફ લાદવા મક્કમ હોઈ ભારત દ્વારા આયાત ટેરિફમાં ઘટાડો કરીને અસર ખાળવાના પ્રયાસ છતાં ફાર્મા, ઓટો, જેમ્સ એન્ડ જવેલરી, ટેક્સટાઈલ સહિતની અમેરિકામાં નિકાસોને અસર થવાના અંદાજો અને માર્ચ એન્ડિંગની તૈયારીએ આજે શેરોમાં સળંગ સાત દિવસની તેજીને બ્રેક લાગી હતી. સેન્સેક્સ ફરી ૭૮૦૦૦ની સપાટી ગુમાવી અંતે ૭૨૮.૬૯ પોઈન્ટ ગબડીને ૭૭૨૮૮.૫૦ અને નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૧૮૧.૮૦ પોઈન્ટ તૂટીને ૨૩૪૮૬.૮૫ બંધ રહ્યા હતા. વૈશ્વિક બજારોમાં પણ ટ્રમ્પ રેસિપ્રોકલ ટેરિફની તારીખ નજીક આવી રહી હોઈ સાવચેતીમાં નરમાઈ જોવાઈ હતી. માર્ચ એન્ડિંગ પૂર્વે રિટેલ, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોના ચોપડે નુકશાની લેવા વેચાઈ રહેલા સારા શેરોનું ઓપરેટરો અને ફંડો દ્વારા આજે કોર્નરિંગ થતું જોવાયું હતું. ગુરૂવારના માર્ચ એક્સપાયરી સાથે ચોપડે નુકશાની લેવા શેરો વેચવાનો અંતિમ મોકો હોઈ પેનિકમાં હજુ ફંડો, ઓપરેટરોનું કોર્નરિંગ વધતું જોવાય એવી શકયતા બતાવાઈ રહી હતી.
બેંકેક્સ ૬૪૬ પોઈન્ટ તૂટયો
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ધોવાણે આજે બેંકેક્સ ૬૪૫.૬૨ પોઈન્ટ ગબડીને ૫૮૯૩૪.૫૧ બંધ રહ્યો હતો. એક્સિસ બેંક રૂ.૨૪ ઘટીને રૂ.૧૦૯૫.૬૦, કેનેરા બેંક રૂ.૧.૨૧ ઘટીને રૂ.૮૭.૨૩, કોટક મહિન્દ્રા બેંક રૂ.૨૭.૫૦ ઘટીને રૂ.૨૧૪૩.૩૫, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૯.૭૦ ઘટીને રૂ.૭૬૩.૩૫, બેંક ઓફ બરોડા રૂ.૨.૭૫ ઘટીને રૂ.૨૨૦.૨૫, ફેડરલ બેંક રૂ.૨.૨૫ ઘટીને રૂ.૧૯૨.૪૫, એચડીએફસી બેંક રૂ.૧૫.૫૦ ઘટીને રૂ.૧૮૦૫.૯૫, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૯ ઘટીને રૂ.૧૩૩૫.૪૦ રહ્યા હતા
ઓઈલ-ગેસ શેરોમાં પીછેહઠ
ક્રુડ ઓઈલના પુરવઠા પર અસર પડી રહ્યાના અહેવાલોએ વેનેઝુએલા પાસેથી જે દેશો ક્રુડની ખરીદી કરશે એ દેશો પર ટેરિફ લગાવવાની અમેરિકાની ચેતવણીએ સપ્લાય અટકવાના સંકેતે ક્રુડના ભાવ વધી આવતાં આજે ઓઈલ-ગેસ શેરોમાં સાવચેતીમાં ફંડોએ તેજીનો વેપાર હળવો કર્યો હતો. બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૩૮૨.૫૦ પોઈન્ટ ઘટીને ૨૪૭૨૭.૩૧ બંધ રહ્યો હતો. હિન્દુસ્તાન પેટ્રોલીયમ કોર્પોરેશન (એચપીસીએલ) રૂ.૯.૪૦ ઘટીને રૂ.૩૫૧.૯૫, બીપીસીએલ રૂ.૫.૯૫ ઘટીને રૂ.૨૭૩.૧૦, ગેઈલ ઈન્ડિયા રૂ.૩.૪૦ ઘટીને રૂ.૧૭૪.૧૫, ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન રૂ.૧.૯૦ ઘટીને રૂ.૧૨૯.૧૫ રહ્યા હતા.
હેલ્થકેર શેરો તૂટયા
અમેરિકા ભારતથી થતી દવાઓની આયાત પર રેસિપ્રોકલ ટેરિફ લાદશે એવું નક્કી મનાઈ રહ્યું હોઈ આજે હેલ્થકેર-ફાર્મા શેરોમાં મોટું ઓફલોડિંગ થયું હતું. જેના પરિણામે બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૫૭૨.૯૮ પોઈન્ટ ગબડીને ૪૧૪૨૨.૮૩ બંધ રહ્યો હતો. મોરપેન લેબ રૂ.૨.૧૫ ઘટીને રૂ.૪૭.૪૭, કોપરાન રૂ.૭.૬૦ ઘટીને રૂ.૧૭૯.૫૦, મેક્સ હેલ્થ રૂ.૪૭ ઘટીને રૂ.૧૧૨૫, ટારસન્સ રૂ.૧૨.૯૦ ઘટીને રૂ.૩૧૦.૭૦ રહ્યા હતા.
આઈટી, શેરોમાં તેજીને બ્રેક
આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં પણ આજે તેજીને બ્રેક લાગી હતી. રેટગેઈન રૂ.૧૨.૭૦ ઘટીને રૂ.૪૨૨.૮૦, ટેક મહિન્દ્રા રૂ.૪૧.૫૦ ઘટીને રૂ.૧૪૧૫.૬૦, ઈમુદ્રા રૂ.૨૪.૭૦ ઘટીને રૂ.૮૫૯.૭૫, એલટીટીએસ રૂ.૧૧૦.૩૦ ઘટીને રૂ.૪૫૧૪.૭૦, સિએન્ટ રૂ.૩૦.૧૦ ઘટીને રૂ.૧૨૭૦.૪૫ રહ્યા હતા.
૩૧૧૫ શેરો નેગેટીવ બંધ
ગુરૂવારના માર્ચ વલણનો અંત થનાર હોઈ અને નાણા વર્ષ ૨૦૨૪-૨૫નો કાલે છેલ્લો દિવસ હોઈ ઘણા શેરોમાં ચોપડે નુકશાની બુક કરવારૂપી રિટેલ ઈન્વેસ્ટરો, ફંડોની વેચવાલી વધતાં માર્કેટબ્રેડથ વધુ નેગેટીવ બની હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૧૪૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૯૮૩થી વધીને ૩૧૧૫ અને વધનારની સંખ્યા ૧૦૮૫થી ઘટીને ૯૧૯ રહી હતી.
રોકાણકારોની સંપતિ ઘટી
માર્ચ એન્ડિંગ પૂર્વે શેરોમાં નુકશાની બુક કરવા ઈન્વેસ્ટરોની વેચવાલી વધતા રોકાણકારોની એક્ત્રિત સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૩.૩૩ લાખ કરોડ ઘટીને રૂ.૪૧૧.૬૧ લાખ કરોડ રહી ગયું હતું.
DIIની રૂ.૬૯૬ કરોડની વેચવાલી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ), એફઆઈઆઈઝની આજે બુધવારે શેરોમાં ફરી કેશમાં રૂ.૨૨૪૦.૫૫ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી કરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈઝ)ની આજે રૂ.૬૯૬.૩૭ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હતી.