Kunal Kamra Case: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે પર કોમેડિયન કુણાલ કામરાની ટિપ્પણી પર હોબાળો સતત વધી રહ્યો છે. ખાર પોલીસે કુણાલને નોટિસ મોકલી સમન્સ પાઠવ્યા હતા. તેને પૂછપરછ માટે આજે સવારે 11 વાગ્યે હાજર રહેવાનો આદેશ આપ્યો હતો. જો કે, કુણાલ ટસનો મસ થઈ રહ્યો નથી. તેણે નાણાં મંત્રી નિર્મલા સીતારમણ પર વધુ એક પેરોડી બનાવી દીધી છે.
મુંબઈ પોલીસે જણાવ્યું કે, કુણાલ કામરાને સમન્સ મોકલવામાં આવ્યા છે. પરંતુ તે હાલ મુંબઈમાં ન હોવાથી પૂછપરછ થઈ શકી નથી. તેની વિરુદ્ધ MIDC પોલીસે એફઆઇઆર નોંધી વધુ તપાસ માટે કેસ ખાર પોલીસને સોંપ્યો છે.
કુણાલનો વધુ મ્યુઝિકલ કટાક્ષ
કુણાલે શિંદે પર એક પછી એક બે પેરોડી બનાવ્યા બાદ હવે દેશના નાણાં મંત્રી નિર્મલા સીતારમણ પર કટાક્ષ કરતાં ગીત બનાવ્યું છે. જેમાં નિર્મલાને નિર્મલા તાઈ કહીને સંબોધતાં નીતિઓ પર સવાલો ઉઠાવ્યા છે. કામરાએ ગાયું કે, ‘આપકા ટેક્સ કા પૈસા હો રહા હે હવા હવાઈ, ઇન સડકો કી બરબાદી કરને સરકાર હૈ આઈ. મેટ્રો હે ઈનકે મન મેં ખોદ કર કર લે અંગડાઈ, ટ્રાફિક બઢાને યે આઈ, બિઝનેસ ગિરાને યે આઈ, કહેતે હે ઈસકો તાનાશાહી. દેશ મેં ઈતની મહંગાઈ સરકાર કે સાથ હે આઈ, લોગો કી લૂંટને કમાઈ સાડી વાલી દીદી આઈ, સેલરી ચૂરાને યે હૈ આઈ. મીડલ ક્લાસ દબાને યે હેહીઆઈ, પોપકોર્ન ખિલાને યે હે આઈ, કહેતે હે ઈસકો નિર્મલા તાઈ.’
આ પણ વાંચોઃ ‘એકનાથ શિંદે તો ભાજપને પણ પસંદ નથી’, કુણાલ કામરાએ વિવાદોની આગમાં ઘી હોમ્યું
હું ભીડથી નથી ગભરાતો: કામરા
કામરાએ અભિવ્યક્તિની સ્વતંત્રતા પર સવાલ ઉઠાવતા મીડિયાને પણ આડે હાથ લીધું. તેણે કહ્યું કે, ‘મીડિયાએ યાદ રાખવું જોઈએ કે ભારતમાં પ્રેસની આઝાદી 159મા સ્થાન પર છે. હું ન તો આ ભીડથી ગભરાતો કે ન તો તેનાથી છુપાવા હું બેડની નીચે છુપાઈને આ વિવાદના અંતની રાહ જોઈશ.’ કામરાએ કાયદાના સમાન ઉપયોગ પર સવાલ ઉઠાવતાં કહ્યું કે, ‘હું પોલીસ અને કોર્ટ સાથે સહયોગ કરીશ, પરંતુ શું કાયદો એ લોકો વિરુદ્ધ પણ નિષ્પક્ષ અને સમાન રૂપે લાગુ થશે, જેમણે એક ‘મશ્કરી’થી નારાજ થઈને તોડફોડને યોગ્ય ઠેરવી? અને બીએમસીના તે બિનચૂંટાયેલા સભ્યો સામે, જેઓ આજે કોઈપણ નોટિસ વિના હેબિટેટમાં પહોંચ્યા અને હથોડાથી એ સ્થાનને તોડી નાખ્યું?’
શું હતો વિવાદ?
પોતાની હાજરજવાબી શૈલી અને કોમેડીથી લોકોને હસાવનાર કુણાલ કામરાએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને યુટ્યુબ ચેનલ પર મહારાષ્ટ્રના રાજકારણ અંગે એક વીડિયો અપલોડ કર્યો હતો જેમાં તેણે નામ લીધા વિના જ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે પર દિલ તો પાગલ હૈ ગીતની પૅરોડી કરીને રજૂ કરી હતી. જેમાં શિંદેને ગદ્દાર કહીને સંબોધ્યા હતા. જેના કારણે વિવાદ સર્જાયો હતો.