ટયુશન ક્લાસ, રેસ્ટોરન્ટને પણ નોટિસો ફટકારવાની તૈયારીઓ
બાંધકામ માટેના મંજૂરી પત્રની નકલ મનપામાં રજૂ કરવી પડશે : સિટી સર્વે નકશા સહિતના પુરાવા 7 દિવસમાં રજૂ નહીં કરાય તો કાર્યવાહીની ચિમકી
આણંદ: આણંદ મહાનગરપાલિકાએ ૨૦ હોસ્પિટલો, ૩૦ ક્લિનિકને બાંધકામ પરવાનગી- બીયુ જમા કરાવવા નોટિસો ફટકારી છે. બીયુ પરમિશન સંદર્ભે હજૂ વધુ હોસ્પિટલો, ટયૂશન ક્લાસ અને મોટી હોટેલોને નોટિસો આપવાની મનપાએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. નોટિસમાં બાંધકામના સાધનિક પુરાવામાં પ્રોપર્ટી કાર્ડ, સિટી સર્વે નકશા, સનદ, રજાચિઠ્ઠી (વિકાસ પરવાનગી), બીયુ પરમીશન, મંજૂર નકશા વગેરે ૭ દિવસમાં મનપામાં રજૂ કરવા સૂચના અપાઈ છે. જો તેમ નહીં કરાય તો કાયદેસરની કાર્યવાહી કરવાની ચિમકી પણ ઉચ્ચારી છે.
મ્યુનિ. કમિશનર મિલિન્દ બાપનાએ જણાવ્યું હતું કે, હોસ્પિટલો ક્લિનિક ધારકોએ અગાઉ પાલિકા કે અવકુડામાંથી બાંધકામ માટેના મંજૂરી પત્રની નકલ મનપામાં રજૂ કરવાની રહેશે. મનપામાં એન્ટ્રી થઈ જશે. એન્ટ્રી થવાની સાથે મેળવેલી મંજૂરી મુજબના બાંધકામના સ્ટ્રકચરમાં કોઈ ફેરફાર થયો છે કે કેમ તેની ચકાસણી મનપા ટીમ દ્વારા કરવામાં આવશે. જેમાં મંજૂર નકશા કરતા વધુ બાંધકામ કે વધુ માળ બનાવીને તેનો વપરાશ કરનારાઓને ઈમ્પેકટ ફી હેઠળ લાવવામાં આવી શકે છે.
શહેરમાં થતી ચર્ચા મૂજબ, મનપાએ સ્થળ તપાસ કર્યા પછી ગેરકાયદે હોય તેમને નોટિસો આપવી જોઈએ, નકશા માંગવા જોઈએ. પરંતુ મનપાએ આણંદ શહેરમાં ઉચ્ચક નોટિસો આપતા હવે ઉચાટ ફેલાયો છે. બીયુ પરમિશનની જવાબદારી બિલ્ડિંગ ખરીદનારની હોય છે. જેથી હવે બિલ્ડિંગ ખરીદનારે નકશા લઈને પરમિશન મેળવવા દોડધામ કરવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. મનપાએ અવકુડાની મંજૂરીનો ડેટા તૈયાર કર્યા બાદ મંજૂરી ન લેનારાઓની યાદી તૈયાર કરવી જોઈએ. કારણ કે, બીયુ પરમિશન લેનારાઓએ નકશા મુજબ ૧૦૦ ટકા બાંધકામ કર્યું હોય, વધારાનો માળ બાંધ્યો હોય તે પણ બની શકે.
આથી મનપાની તપાસમાં આવા લોકોને ઈમ્પેક્ટ ફી ફાઈલ ફેરવવાના એજન્ટોનો ખર્ચ પડી શકે. મનપાને ફીના નામે ધરખમ આવક થવાની શક્યતાઓ જણાઈ રહી છે.
– સ્કૂટીની કર્યા વગર ઉચ્ચક નોટિસો આપી : તબીબો અને હોટેલ માલિકો
નોટિસ સંદર્ભે આણંદના તબીબો તથા હોટલ માલિકોનું જણાવવું છે કે, મનપા દ્વારા સ્કૂટીની કર્યા વગર ઉચ્ચક નોટિસો આપવામાં આવી છે અને તમામ કાગળો લઈને મનપામાં રજૂ કરવાનું જણાવ્યું છે. પરંતુ ખરેખર અવકુડા અને મનપા પાસે જુના નકશા રેકોર્ડ પર છે જેને કમ્પ્યુટરાઈઝ કરવાથી કોની પાસે પરમિશન નથી તેની સ્થળ તપાસ કરી શકાય છે.
મનપાએ કર્મચારીઓને કામગીરી સોંપવાના બદલે આણંદમાં ઉચ્ચક નોટિસો આપીને બધાને હેરાન કર્યા છે.