મુંબઈ : મિલો મારફત એપ્રિલમાં ખુલ્લા બજારમાં વેચાણ માટે ખાંડનો ૨૩.૫૦ લાખ ટન કવોટા જારી કરાયો છે એટલું જ નહીં માર્ચ માટે જારી કરાયેલા ૨૩ લાખ ટનના કવોટાની મુદત ૧૦ એપ્રિલ સુધી લંબાવવામાં આવી છે. ૨૦૨૪ના એપ્રિલમાં ૨૫ લાખ ટન ખાંડ કવોટા જાહેર કરાયો હતો.
આગામી મહિને ચૈત્રી નવરાત્રિ તથા રામનવમીના તહેવારોને ધ્યાનમાં રાખી માર્ચનો કવોટા લંબાવવાનો નિર્ણય લેવાયો હોવાનું માનવામાં આવે છે.
તહેવારો તથા ઉનાળાની મોસમમાં ખાંડનો પૂરવઠો જળવાઈ રહે તેની પણ સરકાર તકેદારી રાખવા માગે છે. ઉનાળાના સમયમાં ઠંડા પીણાં તથા આઈસક્રીમ ઉત્પાદકો તરફથી ખાંડની માગમાં વધારો થતો હોય છે.
કેન્દ્રના અન્ન મંત્રાલય દ્વારા એપ્રિલ માટે ૨૩.૫૦ લાખ ટન ખાંડ કવોટા મંજુર કરાયો છે ગયા વર્ષના એપ્રિલ માટે જારી કરાયેલા ૨૫ લાખ ટનના કવોટાની સરખામણીએ વર્તમાન વર્ષના માર્ચનો કવોટા ૧.૫૦ લાખ ટન ઓછો છે.
ખાંડ મિલો દ્વારા ખુલ્લા બજારમાં વેચાણ માટે સરકાર દર મહિના માટે કવોટા જાહેર કરે છે.