Ahmedabad Sarangpur Water tank News : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓની બેદરકારીથી ભરચોમાસામાં ખાડીયા વોર્ડમાં રહેતા અંદાજે 60 હજાર લોકોને પાણી મેળવવા વલખાં મારવા પડે છે. શનિવારે સવારે આ વિસ્તારમાં પાણી પુરુ પાડતી સારંગપુરની ટાંકીમાંથી સપ્લાય બંધ કરાતા બાલાહનુમાનથી ખાડીયા ગેટ ઉપરાંત સારંગપુર અને અન્ય વિસ્તારમાં સોળ પાણીના ટેન્કરથી રહીશોને પાણી આપવાની કોર્પોરેશનને ફરજ પડી હતી.
પચાસથી પણ વધુ વર્ષ જૂની આ ટાંકીમાંથી પાણી સપ્લાય બંધ કરવા નિર્ણય કરાયો છે. માધુબાગ ખાતે આવેલા ચાર પમ્પને વધુ સમય ચલાવી આ વિસ્તારના રહીશોને પાણી સપ્લાય આપવા નિર્ણય લેવાયો છે. મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ જર્જરીત પાણીની ટાંકીના સ્થાને નવી ટાંકી બનાવવાનુ ટેન્ડર થઈ ગયુ હોવાછતાં કામ શરુ નહી થતા વોટર રિસોર્સ મેનેજમેન્ટના અધિકારીઓને ઝડપથી કામ શરુ કરાવવા તાકીદ કરવી પડી હતી.
ખાડીયા વોર્ડમાં છેલ્લા કેટલાક વર્ષોથી પાણીની સમસ્યા ખુબ ગંભીર સ્વરુપ ધારણ કરી રહી છે.વર્ષો જુની પાણીની ટાંકીના સ્થાને નવી અંડર ગ્રાઉન્ડ અને ઓવરહેડ ટાંકી બનાવવાની વાત ચાર વર્ષથી પણ વધુ સમયથી અધિકારીઓ કરી રહ્યા છે. વર્ષ-2020માં ટેન્ડર કરાયું એ સમયે મધ્યઝોનના ઈજનેર વિભાગના અધિકારીઓએ આર્કિયોલોજી સર્વે ઓફ ઈન્ડિયાની મંજુરી મળતી નથી એવુ કારણ આગળ કર્યુ હતુ. જે પછી એ.એસ.આઈ.ની મંજુરી મળી ગઈ.
અંદાજે રુપિયા 24 કરોડના ખર્ચે હયાત જર્જરિત પાણીની ટાંકી આવેલી છે એ જ જગ્યાએ નવી અંડરગ્રાઉન્ડ અને ઓવરહેડ ટાંકી બનાવવા મંજૂરી પણ અપાઈ ગઈ છે.આમ છતાં કામગીરી શરુ નહીં કરાતા વોર્ડના રહીશોને પાણી મેળવવા વલખા મારવા પડે છે.મ્યુનિસિપલ કમિશનરે શનિવારે સવારે સારંગપુરની હયાત જર્જરીત ટાંકીની પરિસ્થિતિ જોયા પછી મધ્યઝોનના તમામ સંબંધિત અધિકારીઓને સ્થળ ઉપર બોલાવી આમ કયાં સુધી ચાલશે કહી ઝડપથી જર્જરીત પાણીની ટાંકીને ઉતારીને નવી ટાંકી બનાવવા સુચના આપી હતી.તમામ કાગળની પ્રક્રીયા પુરી થઈ જવા છતાં લોકોને કેવી રીતે વધુ હેરાન ગતિ થાય એ બાબત અધિકારીઓ સારી રીતે જાણે છે.
હજુ ત્રણ દિવસ પાણીની તકલીફ રહેશે
માધુબાગ પમ્પિંગ સ્ટેશનથી એક ડાયરેકટ લાઈનથી ખાડીયા અને બાલાહનુમાન સુધીના વિસ્તારને પાણી આપવા કામગીરી શરુ કરાઈ છે. આ કામગીરી બે દિવસ ચાલશે. આ કારણથી આ વિસ્તારમાં હજુ ત્રણ દિવસ પાણીની તકલીફ રહેશે. અંડરગ્રાઉન્ડ અને ઓવરહેડ ટાંકી કયારે બનશે એનો કોઈ પાસે જવાબ નથી.
સારંગપુરમાં હયાત જર્જરિત પાણીની ટાંકી તોડી પાડી અંદાજે 117 લાખ લિટર ક્ષમતાની અંડરગ્રાઉન્ડ તથા પાંચ લાખ લિટર ક્ષમતાની ઓવરહેડ પાણીની ટાંકી બનાવવા જાન્યુઆરી-25માં ટેન્ડર કરી દેવાયુ હોવાનુ પાણી સમિતિના ચેરમેન દિલીપ બગરીયાનું કહેવુ છે. પરંતુ આ બંને ટાંકી બનાવવાની કામગીરી કયારે શરુ થશે અને કામગીરી કયારે પુરી થશે એનો કોર્પોરેશનમાં કોઈ પાસે જવાબ નથી.
કઈ-કઈ પોળો પાણી વગર રહી?
મોટી અને નાની હીંગળોક જોષીની પોળ, સુરતીની પોળ, મણિયાશાની ખડકી, પીપળા શેરી, અર્જુન લાલની ખડકી, મોટા અને નાના સુથારવાડાની પોળ, ગોટીની શેરી,જેઠાભાઈની પોળ, અમૃતલાલની પોળ, ધોબીની પોળ, સારંગપુર ચકલા વિસ્તાર, હવેલીની પોળ,રાયપુર, શામળાની પોળ સહિતની અન્ય પોળ.