નવી દિલ્હી : સરકારની થિંક ટેન્ક નીતિ આયોગે દેશમાં વૈશ્વિક રોકાણ ક્ષેત્રે મોટા નીતિગત પરિવર્તનની ભલામણ કરી છે. જેમાં ચીની કંપનીઓને વધારાની સુરક્ષા મંજુરીની જરૂર વગર ભારતીય કંપનીઓમાં તેમને ૨૪ ટકા સુધીનો હિસ્સો ખરીદવાની મંજુરી આપવાની દરખાસ્ત કરવામાં આવી છે. નીતિ આયોગ માને છે કે આ નિયમોના કારણે કેટલાક મોટા સોદાઓ પૂર્ણ કરવામાં વિલંબ થયો છે. હાલમાં, ચીની કંપનીઓને કોઈપણ રોકાણ માટે ગૃહ અને વિદેશ મંત્રાલય પાસેથી મંજૂરી મેળવવી પડે છે.
૨૦૨૦માં સરહદી અથડામણો પછી રોકાણ કરવા માંગતી ચીની કંપનીઓ માટે વધારાની ચકાસણીના નિયમો લાગુ કરવામાં આવ્યા હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે નીતિ આયોગનો આ પ્રસ્તાવ દેશમાં સીધા વિદેશી રોકાણને પ્રોત્સાહન આપવાની યોજનાનો એક ભાગ છે. વાણિજ્ય મંત્રાલય, નાણા અને વિદેશ મંત્રાલય તેમજ પ્રધાનમંત્રી કાર્યાલયના ઉદ્યોગ વિભાગ પણ આ પ્રસ્તાવનો અભ્યાસ કરી રહ્યા છે.
સરકાર માટે નીતિ આયોગના બધા વિચારો અને દરખાસ્તો સ્વીકારવી જરૂરી નથી. પરંતુ આ પ્રસ્તાવ એવા સમયે આવ્યો છે જ્યારે ભારત અને ચીન ૨૦૨૦માં સરહદી અથડામણ પછીથી તણાવપૂર્ણ સંબંધોને સુધારવાનો પ્રયાસ કરી રહ્યા છે. રોકાણ નિયમોમાં છૂટછાટ આપવામાં મહિનાઓ લાગી શકે છે. રાજકીય નેતાઓએ આ અંગે નિર્ણય લેવો પડશે. ઉદ્યોગ વિભાગ ચીની કંપનીઓને છૂટછાટ આપવાના પક્ષમાં છે, પરંતુ અન્ય સરકારી સંસ્થાઓએ હજુ સુધી તેમનો અંતિમ અભિપ્રાય રજૂ કર્યો નથી.
૨૦૨૦માં સરહદી અથડામણો પછી રોકાણ કરવા માંગતી ચીની કંપનીઓ માટે વધારાની ચકાસણીના નિયમો લાગુ કરવામાં આવ્યા હતા. તેનાથી ચીની કંપનીઓ સૌથી વધુ પ્રભાવિત થઈ હતી. તેનાથી વિપરીત, અન્ય દેશોની કંપનીઓ ઉત્પાદન અને ફાર્માસ્યુટિકલ્સ જેવા ઘણા ક્ષેત્રોમાં મુક્તપણે રોકાણ કરી શકે છે, જ્યારે સંરક્ષણ, બેંકિંગ અને મીડિયા જેવા કેટલાક સંવેદનશીલ ક્ષેત્રોમાં બાહ્ય રોકાણ પર કેટલીક મર્યાદાઓ છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે નિયમોમાં ફેરફારને કારણે, ચીનની બીવાયડી કંપનીની ૨૦૨૩ માં ઇલેક્ટ્રિક કાર સંયુક્ત સાહસમાં ૧ બિલિયન ડોલરનું રોકાણ કરવાની યોજના મુલતવી રાખવામાં આવી હતી. રશિયાના યુક્રેન પર આક્રમણ પછી વૈશ્વિક સ્તરે વિદેશી રોકાણમાં ઘટાડો થયો હોવા છતાં, ભારતમાં એફડીઆઈમાં તીવ્ર ઘટાડાનું કારણ ચીની રોકાણને અવરોધતા નિયમો માનવામાં આવ્યા હતા.
ગયા નાણાકીય વર્ષમાં ભારતમાં ચોખ્ખું વિદેશી પ્રત્યક્ષ રોકાણ ૩૫૩ મિલિયન ડોલરના રેકોર્ડ નીચા સ્તરે પહોંચી ગયું હતું, જે માર્ચ ૨૦૨૧ માં પૂરા થયેલા નાણાકીય વર્ષમાં નોંધાયેલા ૪૩.૯ બિલિયન ડોલરના માત્ર એક અંશ હતું.