– 15 દિવસમાં તપાસ કરવાના હાઈકોર્ટના આદેશ છતાં
– રાજકીય ઈશારે તપાસ નહીં કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે ખેડૂત અગ્રણી દ્વારા રાજ્યના સહકાર સચિવને રજૂઆત
ભાવનગર : ભાવનગર ડિસ્ટ્રીક્ટ કો-ઓપ. બેન્કમાં ભરતી પ્રકરણે ૧૫ દિવસમાં તપાસ કરવાના હાઈકોર્ટના આદેશ છતાં બે માસ વીતવા છતાં તપાસ પૂર્ણ નહીં થયાની રજૂઆત ખેડૂત અગ્રણી દ્વારા રાજ્યના સહકાર સચિવને કરવામાં આવી છે.
આ રજૂઆતમાં ભીખાભાઈ જાજડિયાએ જણાવ્યું હતું કે, ભાવનગર ડિસ્ટ્રીક્ટ કો-ઓપ. બેન્કમાં ૮૦ ક્લાર્કની ભરતી કરવામાં આવી તે ગેરકાયદે હોવાની હાઈકોર્ટમાં સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન (એસસીએ) દાખલ કરવામાં આવી હતી. જે એસસીએ અંગે હાઈકોર્ટે ૧૫ દિવસમાં સરકાર તપાસ કરે તેવો ઓરલ ઓર્ડર કર્યો હતો.
જે સમગ્ર બાબતે તા. ૧૪ મે, ૨૦૨૫ના રોજ સહકાર સચિવ, સ્ટેટ રજિસ્ટ્રાર અને જિલ્લા રજિસ્ટ્રારને વિસ્તૃત રજૂઆત કરી હતી. હાઈકોર્ટમાં દાખલ થયેલ કેસમાં ઈ.સ.૧૯૯૭, ૨૦૦૬ અને ૨૦૧૭માં થયેલા હુકમ અન્વયે જે નિયમો મંજૂર કરાયા તે પ્રમાણે ભરતી નહીં કરી ખોટી પોલિસી બનાવી ૫૫ ટકાના બદલે ૫૦ ટકા માર્ક્સ પ્રમાણે જાહેરાત આપી છે. તા. ૨૩ જાન્યુઆરી, ૨૦૨૫ની જાહેરાત મંજૂર થયેલ નિયમો વિરૂદ્ધ છે. જાહેરાત પ્રમાણે વય મર્યાદા ૨૧થી ૩૦ વર્ષ રાખી છે. જ્યારે ભરતીના નિયમ પ્રમાણે તે ૧૮થી ૩૦ વર્ષ નક્કી થયેલ છે. જાહેરાત પ્રમાણે વય મર્યાદામાં પાંચ વર્ષની છૂટછાટ આપેલ છે. તે ગેરરીતિ કરવા માટે આપેલ છે.
તેમણે હાઈકોર્ટમાં કરેલ અરજી (નં.૩૨૨૯-૨૦૨૫)માં બેન્ક દ્વારા સોગંદ પર જણાવાયું હતું કે, ભરતી એડહોક કરવામાં આવી છે. એડહોક જેવો કોઈ નિયમ નથી. આમ, ઘણા ઉમેદવારોની વય ૩૦ વર્ષ કરતા વધારે છે જ્યારે શિક્ષણ લાયકાત પણ દર્શાવ્યા કરતા ઓછી છે. તેમ રજૂઆતમાં જણાવાયું હતું.
એચઆર પોલિસી માટે સ્ટેટ રજિસ્ટ્રારની મંજૂરી લીધી નથી
ભરતીની જાહેરાત વેબસાઈટ પર જોઈએ. એજન્સીએ ભરતીની જાહેરાત વેબસાઈટ પર પ્રસિદ્ધ કરેલ નથી. એચઆર પોલિસીમાં એડહોક ભરતી કરવાની કોઈ જોગવાઈ કરવામાં આવી નથી. પોલિસીની સ્ટેટ રજિસ્ટ્રારની મંજૂરી લીધી નથી. જૂની મંજૂર થયેલ પોલિસી રદ્દ કરી નથી. એચઆર પોલિસીના ઠરાવ નં.૯માં ફક્ત પોલિસીની નોંધ લેવામાં આવેલ હોવાનું જણાવેલ છે. પરંતુ એચઆર પોલિસી પ્રમાણે ભરતી થઈ નથી તે સ્પષ્ટ છે. તેમ રજૂઆતમાં જણાવાયું હતું.