– ગયા ચોમાસામાં યાત્રીઓની બસ ફસાયા પછી માર્ગ બંધ થયાનો બીજો બનાવ
– હવે પંચાયતના માર્ગ-મકાન વિભાગની દરખાસ્ત મંજૂર થતા રૂા. 6.50 કરોડના ખર્ચે બ્રિજ બનશે
ભાવનગર : જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ભગવાન નિષ્કલંક મહાદેવ મંદિર અને કોળિયાકને જોડતા માર્ગના કોઝવે પર ગયા ચોમાસામાં જાહેરાત થઈ તેને એક વર્ષ વીત્યા પછી પણ ત્યાં ઓવરબ્રિજ બન્યો નથી. પરિણામે ગઈ કાલે પણ માર્ગ પર પાણી વળતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો.
આ અંગેની સૂત્રો દ્વારા પ્રાપ્ય વિગત અનુસાર એક વર્ષ અગાઉ ગયા ચોમાસામાં કોળિયાક અને નિષ્કલંક મહાદેવ મંદિર રોડ પરના કોઝવે પરથી માલેશ્રી નદીના પાણીનો જોરદાર પ્રવાહ વહ્યો હતો. જેમાં તામિલનાડુના યાત્રીઓની બસ ફસાઈ હતી. સદનસીબે તમામ યાત્રીઓનો બચાવ થયો હતો. એ વખતે આ કોઝવેના સ્થાને ઓવરબ્રિજ બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. જેને એક વર્ષનો સમય વીતી ગયો અને બીજું ચોમાસું આવી ગયું ત્યારે પણ હજુ ઓવરબ્રિજ બન્યો નથી.
દરમિયાનમાં, ગઈકાલ તા. ૨૧ના રોજ ભાવનગર અને ઘોઘા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદના કારણે માળનાથના ડુંગરો અને કરેડાના તળાવમાંથી પાણીનો ધસમસતો પ્રવાહ માલેશ્રી નદીમાં ઠલવાતા કોળિયાક અને નિષ્કલંક મહાદેવ મંદિર રોડ પરનો કોઝવે બંધ થઈ ગયો હતો. જેના પરિણામે સાવચેતીના ભાગરૂપે પ્રશાસન દ્વારા આ રસ્તાને બંધ કરાયો હતો અને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.
આમ, સતત બીજા ચોમાસામાં આ પરિસ્થિતિ સર્જાઈ છે. અલબત્ત, હવે સરકારે પંચાયતના માર્ગ અને મકાન વિભાગની દરખાસ્ત મંજૂર કરી છે અને તાજેતરમાં જિલ્લામાં જે ૧૯૪ કામ માટે રૂા. ૨૮૯ કરોડ મંજૂર થયા તેમાં આ ઓવરબ્રિજનો પણ સમાવેશ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આથી રૂા. ૬.૫૦ કરોડના ખર્ચે આગામી દિવસોમાં ઓવરબ્રિજ બનશે.