– ખેડા જિલ્લામાં વરસાદનો વધુ એક રાઉન્ડ
– શહેરના ચારેય ગરનાળામાં પાણી ભરાતા ટ્રાફિકજામમાં લોકો કલાકો સુધી અટવાયા
નડિયાદ : ખેડા જિલ્લામાં આજથી વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. નડિયાદ શહેરમાં માત્ર બે કલાકમાં ૪૩ મી.મી. વરસાદ વરસતા શહેર બે ભાગમાં વહેંચાઈ ગયું હતું. મૂશળધાર વરસાદને કારણે નડિયાદ પૂર્વ અને પશ્ચિમ વચ્ચેનો વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો અને અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.
શહેરમાં આવેલા શ્રેયસ ગરનાળું, વૈશાલી ગરનાળું, ખોડીયાર માતા ગરનાળું અને માઈ માતા ગરનાળામાં પાણી ભરાઇ ગયું હતું ગરનાળું પસાર થવુ અસંભવ બન્યુ હતુ. નડિયાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતા માત્ર બે બ્રિજ હોવાથ કલાકો સુધી લોકો ટ્રાફિક જામ સર્જાયો હતો. અનેક વાહનચાલકો અને રાહદારીઓ લાંબા સમય સુધી અટવાઈ પડયા હતા. આ ઉપરાંત, શહેરના અન્ય અનેક નીચાણવાળા વિસ્તારોમાં પણ ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું હતું.
નડિયાદ તાલુકામાં ૪૩ મી.મી. વરસાદ નોંધાતા કુલ મોસમનો વરસાદ ૭૪૧ મિ.મી. પર પહોંચ્યો છે. વસો તાલુકામાં ૨૦ મિ.મી. વરસાદ સાથે કુલ ૪૮૮ મિ.મી., માતર તાલુકામાં ૮ મિ.મી. વરસાદ સાથે કુલ ૩૮૦ મિ.મી., ઠાસરા તાલુકામાં ૩ મિ.મી. વરસાદ સાથે કુલ ૨૫૯ મિ.મી. અને ખેડા તાલુકામાં ૨ મિ.મી. વરસાદ સાથે કુલ ૨૪૦ મિ.મી. વરસાદ નોંધાયો છે. જોકે, કપડવંજ, કઠલાલ, મહેમદાવાદ, મહુધા અને ગળતેશ્વર જેવા તાલુકાઓમાં આજે સાંજે ૬ વાગ્યા સુધીમાં કોઈ નોંધપાત્ર વરસાદ નોંધાયો નથી. સમગ્ર ખેડા જિલ્લાનો આજનો સરેરાશ વરસાદ ૭.૬ મિ.મી. રહ્યો છે, જ્યારે મોસમનો કુલ સરેરાશ વરસાદ ૪૦૪ મિ.મી. થયો છે.