નવી દિલ્હી : ચીની સરકારી સુત્રોએ ભારતને માહિતી આપી છે કે દુર્લભ ખનિજના કાચા માલનો પુરવઠો મેળવવા માંગતા ભારતીય આયાતકારો તરફથી મળેલી અરજીઓની પ્રક્રિયા કરવામાં આવી રહી છે. ચીને તાજેતરમાં દુર્લભ ખનિજ ચુંબક (મેગ્નેટ) ની નિકાસ પર લાઇસન્સિંગ ધોરણો લાગુ કર્યા છે.
દુર્લભ ચુંબક ૪ એપ્રિલથી ચીન દ્વારા લાદવામાં આવેલા નિકાસ પ્રતિબંધના દાયરામાં છે. ઓટોમોબાઈલ અને ઓટો ઉદ્યોગ ઉપરાંત ઇલેક્ટ્રોનિક્સ, તબીબી અને સંરક્ષણ જેવા ઉદ્યોગો માટે પણ તે મહત્વપૂર્ણ છે. અમેરિકા દ્વારા ચીની ઉત્પાદનો પર ટેરિફ વધારવાના જવાબમાં આ પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.
ગયા મહિને, ભારતીય ઓટોમોબાઈલ ઉદ્યોગે દુર્લભ ખનિજના પુરવઠા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ચીન દ્વારા લાદવામાં આવેલા નિકાસ પ્રતિબંધો અંગે ઉદ્યોગે સરકાર સમક્ષ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે ચીની વાણિજ્ય મંત્રાલય તરફથી આ દુર્લભ ખનિજ કાચા માલની આયાત માટે મંજૂરી મેળવવામાં વિલંબ ભારતીય વાહન ઉત્પાદકોના ઉત્પાદનને અસર કરી રહ્યો છે, જેમાં ઇલેક્ટ્રિક વાહનોનો પણ સમાવેશ થાય છે.
સરકારી અધિકારીઓના જણાવ્યા અનુસાર, ચીનને નિકાસ મંજૂરી માટે અચાનક અરજીઓનો પ્રવાહ મળ્યો હોવાથી અરજીઓની પ્રક્રિયામાં વિલંબ થયો છે.
જાણકારોએ જણાવ્યું હતું કે, ચીને લાઇસન્સ મેળવવાની પ્રક્રિયા ખૂબ લાંબી અને જટિલ બનાવી દીધી છે. તેઓ હાલમાં અરજીઓના અચાનક પ્રવાહને સંભાળવા માટે સંપૂર્ણપણે સક્ષમ નથી. પરંતુ હવે જાણ કરવામાં આવી છે કે તેમણે અરજીઓની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. તેથી એવં માનવું છે કે હવે આ મામલો થોડા સમયમાં ઉકેલાઈ જશે.