સરકારી મિલકતને નુકસાન સંદર્ભે રિ-કન્સ્ટ્રક્શન કરાયું
અથડામણ બાદ ગામમાં અજંપાભરી શાંતિ વચ્ચે પોલીસ બંદોબસ્ત યથાવત્ ઃ ફરાર આરોપીઓને પકડવા દોડધામ
ગાંધીનગર : જિલ્લાના દહેગામ તાલુકાના બહિયલ ગામમાં બુધવારની મોડી
રાત્રે સોશિયલ મીડિયામાં પોસ્ટ મુદ્દે લઘુમતી સમાજના ટોળા દ્વારા નવરાત્રી દરમિયાન
પથ્થરમારો કરીને દુકાનમાં આગ લગાડવામાં આવી હતી. જે મામલે ૮૩ વ્યક્તિઓ સામે નામજોગ
અને ૨૦૦ થી વધુના ટોળા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ત્યારે આજે પોલીસ દ્વારા
૬૦ આરોપીઓને સાથે રાખીને તેમનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો.
દહેગામમાં આવેલા બહિયલ ગામમાં સોશિયલ મીડિયામાં પોસ્ટ
મુદ્દે ગત બુધવારની રાત્રિના સમયે લઘુમતી સમાજના ટોળા દ્વારા પથ્થરમારો કરીને
નવરાત્રી દરમિયાન રમાઈ રહેલા ગરબા ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં
મકાનો, દુકાનોમાં
તોડફોડ કરવાની સાથે વાહનોમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા સ્થળ ઉપર
પહોંચેલી પોલીસ અને ફાયર બ્રિગેડ ઉપર પણ હુમલો કરવામાં આવ્યો હતો. ગામમાં તંગદિલી
સર્જાતા ગાંધીનગરથી પણ મોટી સંખ્યામાં પોલીસ જવાનોને ઉતારી દેવામાં આવ્યા હતા અને
મામલો થાળે પાડવામાં આવ્યો હતો. આ સ્થિતિમાં દહેગામ પોલીસ દ્વારા બહિયલ ગામમાં
રહેતા ૮૩ આરોપીઓ સામે નામજો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં ૨૦૦થી
વધુના ટોળા સામે હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે
ત્યારે ગઈકાલે મોડી સાંજે દસેક જેટલા મુખ્ય આરોપીઓને લઈ પોલીસ ગામમાં પહોંચી હતી
અને સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું હતું ત્યારે આજે બાકીના ૪૦ જેટલા
આરોપીઓને લઈ બહિયલ ગામમાં દોરડા બાંધીને તેમનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો. જે સ્થળ
ઉપર સરકારી મિલકતને નુકસાન કરવામાં આવ્યું હતું ત્યાં આરોપીઓને લઈ જઈને ઘટનાનું રી
કન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું. હાલ ગામમાં અજંપાભરી શાંતિ વચ્ચે પોલીસ
દ્વારા સઘન સલામતી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને પોલીસ બંદોબસ્ત વચ્ચે ગરબાનું પણ
આયોજન કરવામાં આવી રહ્યું છે.
૬૧ આરોપીઓ જેલ હવાલે,
પાંચ શખ્સો પાંચ દિવસના રિમાન્ડ પર
બહિયલ ગામમાં નવરાત્રી દરમિયાન તોડફોડ અને હિંસા કરનાર ૮૩
આરોપીઓ સામે નામ જોગ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જે પૈકી પોલીસે ૬૬ જેટલા
આરોપીઓની ધરપકડ કરીને આજે તેમને કોર્ટમાં રજૂ કર્યા હતા. જે આરોપીઓ પૈકી ૬૧નું
વોરંટ ભરી આપતા તેમને સાબરમતી સેન્ટ્રલ જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા. જ્યારે
પોલીસે પાંચ આરોપીઓના સાત દિવસના રિમાન્ડ માગ્યા હતા. જે પૈકી આ પાંચ આરોપીને પાંચ
દિવસના રિમાન્ડ કોર્ટ દ્વારા આપવામાં આવ્યા હતા. જે મુખ્ય પાંચ આરોપીઓને આ સમગ્ર
ઘટનાના મુખ્ય સૂત્રધાર માનવામાં આવી રહ્યા છે.