વડોદરાઃ વડોદરા કોર્પોરેશનની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત ૬ શાળાઓના નવા બિલ્ડિંગના લોકાર્પણ તેમજ ૧૨ શાળાના નવા બિલ્ડિંગના ખાતમુહૂર્ત માટેના કાર્યક્રમમાં રાજ્યના શિક્ષણ મંત્રી હાજર રહ્યા હતા.
દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતે યોજાયેલા સમારોહમાં અપાયેલી જાણકારી પ્રમાણે ૩૫ કરોડના ખર્ચે ૧૨ શાળાના નવા બિલ્ડિંગો બનાવાશે.જેમાં ૧૭૩ ક્લાસરુમ હશે.જ્યારે ૧૮ કરોડના ખર્ચે બનેલા ૬ સ્કૂલના નવા બિલ્ડિંગોનું આજે શિક્ષણ મંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
શિક્ષણ મંત્રીએ કહ્યું હતું કે, સરકારે બનાવેલી એફઆરસીના નિયમોનું ઉલ્લંઘન કરનાર સ્કૂલો સામે તેની પરવાનગી રદ કરવા સુધીની આકરી કાર્યવાહી પણ કરવામાં આવશે.જ્યારે હાલમાં ચાલી રહેલી શિક્ષકોની ભરતી પ્રક્રિયાને ૧ જૂન સુધીમાં પૂરી કરવામાં આવશે.
સોશ્યલ મીડિયાના સ્કૂલોમાં વિદ્યાર્થીઓ દ્વારા થતા ઉપયોગના સવાલ પર તેમણે જણાવ્યું હતું કે, સોશ્યલ મીડિયાએ ઘણા ભયસ્થાન ઉભા કર્યા છે.તેનો વિવેકપૂર્ણ ઉપયોગ આવકાર્ય છે પરંતુ સોેશ્યલ મીડિયા અને ઓનલાઈન ગેમિંગની લત લાગવાથી દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ બની રહી છે.બાળકોને સોશ્યલ મીડિયાથી દૂર રાખવા જોઈએ.તેના ઉપયોગને લઈને શિક્ષણ વિભાગ વહેલી તકે એક એસઓપી જાહેર કરશે.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષે જાણકારી આપતા કહ્યું હતું કે, સરકાર દ્વારા તાજેતરમાં લેવાયેલી જ્ઞાાન સાધના સ્કોલરશિપ સ્કીમ સહિતની વિવિધ યોજનાઓની પ્રવેશ પરીક્ષાના મેરિટમાં શિક્ષણ સમિતિના ૭૪૮ બાળકોએ સ્થાન મેળવ્યું છે.