મુંબઈ : મુંબઈ ઝવેરીબજારમાં આજે શનિવારના કારણે બુલીયન બજાર સત્તાવાર બંધ રહી હતી. જોકે બંધ બજારે સોના- ચાંદીના ભાવ ઉંચા મથાળે નરમ બોલાઈ રહ્યા હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. વિશ્વબજારના સમાચાર વધ્યા મથાળેથી પીછેહટ બતાવી રહ્યા હતા.
વિશ્વબજારમાં ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ ઘટયા મથાળેથી ઉંચકાતાં વિશ્વબજારમાં સોનામાં ઉંચા મથાળે ફંડોનું સેલીંગ જોવા મળ્યાની ચર્ચા બજારમાં સંભળાઈ હતી. દરમિયાન, ભારતમાં આયાત થતા સોના- ચાંદીની ઈમ્પોર્ટ ડયુટી ગણવા બેન્ચમાર્ક તરીકે વપરાતી ટેરીફ વેલયુમાં સરકારે વધારો કર્યાના સમાચારો મળ્યા હતા તથા તેના પગલે સોના- ચાંદીની ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટીમાં તેટલા પ્રમાણમાં વૃધ્ધિ થયાનું બજારના સૂત્રો જણાવી રહ્યા હતા.
સોનામાં આવી ટેરીફ વેલ્યુ ૧૦ ગ્રામના ડોલરના સંદર્ભમાં ૧૦૫૪થી વધી ૧૦૭૮ ડોલર કરવામાં આવી છે જ્યારે ચાંદીમાં આવી ટેરીફ વેલ્યુ કિલોદીઠ ડોલરના સંદર્ભમાં ૧૧૬૪થી વધી ૧૨૫૯ ડોલર થયાના નિર્દેશો મળ્યા હતા. આના પગલે ઈફેકટીવ ડયુટીમાં વૃધ્ધિ થઈ છે. દરમિયાન, વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશના ૩૩૫૮તી ૩૩૫૯ વાળા ઘટી ૩૩૩૧ થઈ છેલ્લે ભાવ સપ્તાહના અંતે ૩૩૪૯તી ૩૩૫૦ ડોલર રહ્યા હતા.
ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ નીચામાં ૯૮.૧૦ તથા ઉંચામાં ૯૮.૫૮ થઈ છેલ્લે ૯૮.૪૬ રહ્યો હતો. અમેરિકામાં રિટેલ સેલ તથા કન્ઝયુર સેન્ટીમેન્ટ ઈન્ડેકસ વિષયક ડેટા સારા આવ્યા હતા. ત્યાં બેરોજગારીના દાવા પણ ઘટયા હતા. આવા માહોલમાં હવે ત્યાં જુલાઈના અંત ભાગમાં મળનારી ફેડરલ રિઝર્વની મિટિંગમાં વ્યાજના દરમાં ઘટાડો કરવામાં આવે છે કે નહિં તેના પર બજારના ખેલાડીઓની નજર રહી હતી.
દરમિયાન, મુંબઈ કરન્સી બજારમાં આજે બંધ બજારે રૂપિયા સામે ડોલરના ભાવ રૂ.૮૬.૧૫ વાળા વધુ વધી રૂ.૮૬.૨૦થી ૮૬.૨૧ બોલાતા થયાના નિર્દેશો મળ્યા હતા. અમદાવાદ ઝવેરીબજારમાં ચાંદીના ભાવ આજે કિલોના રૂ.૧ લાખ ૧૩ હજાર ૫૦૦ રહ્યા હતા જ્યારે અમદાવાદ સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૩૦૦ વધી ૯૯૫ના રૂ.૧ લાખ ૧૨૦૦ તથા ૯૯૯ના રૂ.૧ લાખ ૧૫૦૦ બોલાઈ રહ્યા હતા.
વિશ્વબજારમાં ચાંદીના ભાવ ઔંશના ૩૮.૪૦ વાળા ઘટી ૩૮.૦૫ થઈ છેલ્લે ૩૮.૧૭થી ૩૮.૧૮ ડોલર રહ્યા હતા. મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ના રૂ.૯૭૮૫૦ વાળા રૂ.૯૭૮૦૦ તથા ૯૯૯ના રૂ.૯૮૨૪૩ વાળા રૂ.૯૮૨૦૦ જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૧ લાખ ૧૨ હજાર ૭૦૦ વાળા રૂ.૧ લાખ ૧૨ હજાર ૩૦૦ આસપાસ બોલાઈ રહ્યા હતા.
દરમિયાન, વિશ્વબજારમાં પ્લેટીનમના ભાવ ઔંશના ૧૪૮૦ વાળા ઘટી ૧૪૨૬ થઈ છેલ્લે ભાવ ૧૪૨૯થી ૧૪૩૦ ડોલર રહ્યા હતા જ્યારે વૈશ્વિક પેલેડીયમના ભાવ ૧૩૩૨ વાળા ઘટી ૧૨૪૨ થઈ છેલ્લે ભાવ ૧૨૪૪થી ૧૨૪૫ ડોલર રહ્યા હતા. વૈશ્વિક ક્રૂડતેલમાં પીછેહટ વચ્ચે બ્રેન્ટના ભાવ બેરલના ૭૦.૬૭ વાળા ૬૯.૧૪ થઈ ૬૪.૨૯ ડોલર રહ્યા હતા. જ્યારે યુએસ ક્રૂડના ભાવ ૬૭.૩૪ ડોલર છેલ્લે રહ્યા હતા.