Uddhav Thackeray Attack On BJP : મહારાષ્ટ્રમાં શિવસેના યુબીટીના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ભાજપ પર પ્રહારો કરતા આક્ષેપ કર્યો છે કે, ‘વક્ફ બાદ હવે ખ્રિસ્તી, જૈન, બૌદ્ધ અને હિન્દુ મંદિરોની જમીનો પર ભાજપની નજર છે. આ જમીનો તેમના મિત્રોને સોંપવામાં આવશે.’ આ સાથે ઉદ્ધવએ ભાજપને રામ જેવો વ્યવહાર કરવાની સલાહ આપી છે.
ઉદ્ધવ ઠાકરેએ શું કહ્યું?
ઉદ્ધવ ઠાકરેએ શિવસેના યુબીટીના આઈટી અને કોમ્યુનિકેશન વિંગ ‘શિવ સંચાર સેના’ના શુભારંભ કાર્યક્રમને સંબોધીત કરતા કહ્યું કે, ’વક્ફ કાયદો લાવ્યા બાદ હવે ભાજપની નજર ખ્રિસ્તી, જૈન, બૌદ્ધ અને હિન્દુઓના મંદિરોની જમીનો પર છે, જેને તેઓ તેમના મિત્રને સોંપી દેશે. આ લોકોને કોઈપણ સમાજ સાથે પ્રેમ નથી. ભાજપે હવે રામ જેવો વ્યવહાર કરવો જોઈએ. તેઓએ દેશના ધાર્મિક માળખાને નુકસાન ન કરવું જોઈએ.’
શિવસેના યુબીટી વક્ફ મુદ્દે કોર્ટમાં નહીં જાય : ઉદ્ધવ
જ્યારે ઉદ્ધવને પૂછવામાં આવ્યું કે, શું વક્ફ કાયદા મુદ્દે શિવસેના યુબીટી પણ વિપક્ષની અન્ય પાર્ટીઓની જેમ કોર્ટમાં જશે. તો તેમણે તેનો ઈન્કાર કર્યો છે. ઉલ્લેખનીય છે કે, વક્ફ સંશોધન બિલ 2025 હવે કાયદો બની ગયો છે. આ બિલને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ શનિવારે મંજૂરી આપી દીધી છે. સંસદ દ્વારા પસાર કરાયેલા વકફ સંશોધન અધિનિયમને 5 એપ્રિલ, 2025 ના રોજ રાષ્ટ્રપતિની સંમતિ મળી છે.
આ પણ વાંચો : VIDEO : મધ્યપ્રદેશથી રાજસ્થાન જઈ રહેલી ચાલુ એક્સપ્રેસ ટ્રેનમાં ભયાનક આગ, મુસાફરોમાં હડકંપ
વક્ફ બિલને બંને ગૃહોમાં પસાર કરાયું હતું
વકફ બિલને રાષ્ટ્રપતિની મંજૂરી પહેલા બંને ગૃહો દ્વારા પસાર કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય લઘુમતી કાર્ય મંત્રી કિરેન રિજિજૂએ વિધેયકને ગૃહમાં રજૂ કર્યું હતું. આશરે 12-12 કલાક લાંબી ચર્ચા બાદ વક્ફ (સંશોધન) વિધેયક 2025ને બંને ગૃહમાંથી પસાર કરવામાં આવ્યું હતું. આ વિધેયકને લઈને સત્તાધારી NDA પક્ષ અને વિપક્ષી પાર્ટીઓ વચ્ચે લાંબી ચર્ચા ચાલી હતી. લોકસભામાં 288 સાંસદોએ વિધેયકના પક્ષમાં જ્યારે 232 સાંસદોએ વિરોધમાં મત આપ્યા હતા. જ્યારે રાજ્યસભામાં બિલના પક્ષમાં 128 મત પડ્યા હતા, જ્યારે તેની વિરુદ્ધ 95 મત પડ્યા હતા. બિલ લોકસભા બાદ રાજ્યસભામાં પણ બિલ પસાર થઇ જતાં તેને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ પાસે મંજૂરી માટે મોકલવામાં આવ્યું હતું. જ્યાં રાષ્ટ્રપતિની મંજૂરી મળતા જ વક્ફ (સંશોધન) બિલ કાયદો બન્યો છે.
આ પણ વાંચો : મધ્ય પ્રદેશની હૉસ્પિટલમાં મોટું કૌભાંડ? નકલી ડૉક્ટરે 15 દર્દીના ઓપરેશન કર્યા, સાતના મોત