કન્ટેનર ચાલક કેબિનમાં ફસાઈ જતા ઈજા
રાજકોટ-ભાવનગર રોડ પર બંધ પડેલા ટ્રકનું રીપેરીંગ કામ કરતી વેળાએ અકસ્માત સર્જાયો હતો
ગઢડા: ઢસા ગામે રહેતા યુવાન રાજકોટ ભાવનગર રોડ પર બંધ પડે એટલે ટ્રકનું રીપેરીંગ નીચેના ભાગે કરી રહ્યા હતા તે દરમિયાન કન્ટેનર ચાલકે પોતાના વાહન પર કાબુ ગુમાવી દેતા બંધ ટ્રક પાછળ કન્ટેનર ઘૂસી ગયું હતું અને ટ્રક નીચે કામ કરી રહેલા યુવાનનું ટાયર તળે દબાઈ જતા મોત નિપજ્યું હતું.
આ બનાવની જાણવા મળતી વિગત મુજબ ગઢડા તાલુકાના ઢસા ગામે રહેતા અને રાજકોટ ભાવનગર રોડ પર ગેરેજ ધરાવતા અજયભાઈ ખોડાભાઈ વરડીયા ટ્રક નં.જીજે-૦૩-એએક્સ-૯૭૯૨ ની બંધ ગાડીમાં રીપેરીંગનું કામ કરવા માટે ગાડીની નીચે હતા ત્યારે ઢસા ગામ તરફથી કન્ટેનર નં.જીજે-૩૯-ટીએ-૦૦૫૩ નાં ચાલકે પોતાનું કન્ટેનર પુરઝડપે અને ગફલતભરી રીતે બેદરકારી પૂર્વક ચલાવી આવી રોડની સાઇડમાં બંધ પડેલ ટ્રકની પાછળનાં ભાગે જોરથી ટક્કર મારી હતી. અને ટ્રકની નીચે કામ કરી રહેલા અજયભાઇ ટ્રકનાં ટાયરનાં જોટામાં આવી જતા તેમને માથાનાં ભાગે ગંભીર ઈજા થતાં અજયભાઈનું મોત નિપજ્યું હતું.જ્યારે કન્ટેનર ચાલક કેબિનમાં ફસાઈ જતા માથાના ભાગે ઇજા થતા ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.આ બનાવ સંદર્ભે મૃતકના નાના ભાઈ સુનિલભાઈ ખોડાભાઈ વરડીયાએ ઢસા પોલીસ મથકમાં કન્ટેનર ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.