– માંજલપુરમાં ધો-9 ના વિદ્યાર્થીએ ફાંસો ખાધો
– માતાએ ઠપકો આપી મોબાઇલ પરત ના આપ્યો આવેશમાં આવીને બેડરૂમ બંધ કરી ફાંસો ખાઇ લીધો
વડોદરા : શહેરના માંજલપુર વિસ્તારમાં માતાએ મોબાઇલ ખૂંચવી લઇ ઠપકો આપતા આવેશમાં આવી જઇને ધોરણ-૯માં અભ્યાસ કરતા પુત્રએ બેડરૂમ બંધ કરી ચાદરથી ગળા ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું.
માંજલપુરમાં આવેલ અલવાનાકા વિસ્તારની વિનોદવાટિકા સોસાયટીમાં રહેતા પ્રદિપ ચિંતામણી ગીરીભાઇ ડ્રાઇવિંગ કરે છે. તેમનો પુત્ર મનિષ (ઉ.વ.૧૪) ધોરણ-૯માં અભ્યાસ કરતો હતો. ગઇકાલે બપોરે તે મોબાઇલ લઇને બેઠો હતો અને વીડિયો જોતો હતો જેથી માતાએ તેને અભ્યાસમાં પણ ધ્યાન આપ આખો દિવસ મોબાઇલ લઇને ના બેસી રહે તેવો મીઠો ઠપકો આપ્યો હતો. બાદમાં પુત્ર પાસેથી મોબાઇલ લઇ લીધો હતો અને પુત્રએ મોબાઇલની માંગણી કરી છતાં પરત કર્યો ન હતો.દરમિયાન પુત્ર આવેશમાં આવીને ઘરના ઉપરના માળે બેડરૂમમાં જતો રહ્યો હતો અને ઘરનો દરવાજો બંધ કરી દીધો હતો. થોડા સમય બાદ માતાએ પણ ઉપરના માળે પહોંચીને બેડરૂમનો દરવાજો ખટખટાવ્યો હતો પરંતુ પુત્રએ દરવાજો ખોલ્યો ન હતો જેથી આજુબાજુના લોકો પણ ભેગા થઇ ગયા હતાં અને બાદમાં દરવાજો તોડી નાંખતા અંદર પુત્ર ગળા ફાંસો ખાધેલી હાલતમાં મૃત મળ્યો હતો. વાદળી, કાળા અને લાલ કલરની ચાદરથી પુત્રએ સિલિંગ ફેન પર ફાંસો ખાઇ જીવન ટૂંકાવી દીધું હતું. પુત્રનો મૃતદેહ જોઇને માતાએ રોકકળ કરી મૂકી હતી.આ અંગે માંજલપુર પોલીસને જાણ કરતા પોલીસ પણ સ્થળ પર પહોંચી ગઇ હતી અને લાશને પીએમ માટે મોકલી દીધી હતી પોલીસે જણાવ્યું હતું કે મરનાર ધોરણ-૯માં મકરપુરા વિસ્તારની શાળામાં અભ્યાસ કરતો હતો.