કરજણ તા.૨૦ કરજણ તાલુકાના સાંપા ગામની સીમમાંથી પસાર થતાં મુંબઈ – દિલ્હી એક્સપ્રેસ હાઈવે પરથી દારૃનો જથ્થો ભરેલું એલપી ગેસ ટેન્કર જિલ્લા પોલીસે કબજે કરી કુલ રૃા.૧.૮૮ કરોડના મુદ્દામાલ સાથે ડ્રાઇવરની ધરપકડ કરી હતી.
દારૃનો જથ્થો ભરેલું એક ટેન્કર ભરૃચથી મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઇવે ઉપર વડોદરા થઈ અમદાવાદ તરફ જનાર છે એવી બાતમી એલસીબીને મળતા ગઇ રાત્રે કરજણ તાલુકાના સાંપા ગામની સીમમા એક્સપ્રેસ હાઇવે પર વોચ ગોઠવી બાતમી મુજબનું એલપી ગેસનું ટેન્કર આવતા રોકી ચાલકનું નામ પૂછતાં ફગલુરામ ઉમારામ જાટ (રહે.કકરાલા, તા.સેડવા, જિલ્લો બાડમેર, રાજસ્થાન) જણાવ્યું હતું.
ટેન્કરનું ઢાંકણું નહી ખૂલતા તેમજ અંદર કેમિકલ ભરેલ હોય એવી શંકા હોવાથી કોઈ દુર્ઘટના ના બને એ માટે કરજણ ફાયર વિભાગની ટીમની હાજરીમાં ગેસ કટર દ્વારા ટેન્કરની બોડીનું પતરું કાપવામાં આવ્યું હતું. ટેન્કરમાં મોટા જથ્થામાં દારૃની પેટીઓ જણાઇ હતી તેમજ ટેન્કરમાં કુલ ત્રણ ખાના બનાવ્યા હતા જેમાં એક ખાનામાં ગેસ અને ઓક્સિજનનો બોટલ તેમજ અન્ય બે ખાનામાં દારૃનો જથ્થો હતો.
રૃા.૧.૭૭ કરોડનો દારૃનો જથ્થો, ટેન્કર, રોકડ સહિત કુલ રૃા.૧.૮૮ કરોડનો મુદ્દામાલ કબજે કરી ચાલકની વધુ પૂછપરછ કરતા રૃગારામ જાટ (રહે.સારલા, તા.સેડવા,રાજસ્થાન)એ દારૃની ગાડીઓ ગુજરાતમાં મોકલનાર અનિલ જગદીશ પ્રસાદ (રહે.ફતેપુર, જિ.સીકર,રાજસ્થાન)ના મુનીમ મનીષ ભાઈજીનો સંપર્ક કરાવ્યો હતો. બાદમાં એક શખ્સે સાત દિવસ પહેલાં હરિયાણા તથા રાજસ્થાનની લોહારૃ બોર્ડર હાઈવે પરથી ટેન્કર લઈને ગુજરાત જવા જણાવ્યું હતું.