દેશમાં પ્રથમ વખત કેરળ હાઇકોર્ટે એઆઇ અંગે નીતિ જાહેર કરી
ચેટજીપીટી, ડીપસીક પર નિયંત્રણો, માત્ર સુપ્રીમ કે હાઇકોર્ટ માન્ય એઆઇ ટૂલ્સનો અમુક સંજોગોમાં જ ઉપયોગ કરી શકાશે
તિરુવનંતપુરમ: દેશમાં કેરળ પ્રથમ રાજ્ય બન્યું છે કે જ્યાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઇને લઇને નીતિ ઘડવામાં આવી છે. જોકે આ નીતિ સરકાર દ્વારા નહીં પણ હાઇકોર્ટ દ્વારા ઘડવામાં આવી છે જે જિલ્લા સ્તરની કોર્ટોના જજો અને કર્મચારીઓ માટે લાગુ રહેશે. હાઇકોર્ટના નિર્ણય મુજબ જજો ચુકાદા, તારણો, અવલોકન, આદેશોમાં ક્યાંય પણ એઆઇનો ઉપયોગ નહીં કરી શકે ત્યાં માત્ર પોતાની બુદ્ધીનો જ ઉપયોગ કરવાનો રહેશે. ચેટજીપીટી, ડીપસીક જેવા એઆઇ ટૂલ્સનો ઉપયોગ પણ નહીં કરી શકાય, માત્ર હાઇકોર્ટ કે સુપ્રીમ કોર્ટ દ્વારા માન્ય એઆઇ ટૂલ્સ જ વાપરી શકાશે.
કેરળ હાઇકોર્ટે એઆઇના ઉપયોગને લઇને ગાઇડલાઇન જાહેર કરી છે, જિલ્લા સ્તરની ન્યાયપાલિકા અને તેના જજો, કર્મચારીઓ માટે જાહેર કરાયેલી આ ગાઇડલાઇનમાં જણાવાયું છે કે જજોએ કોઇ કેસના નિર્ણય સુધી પહોંચવા, આદેશ આપવા કે ચુકાદો આપવા એઆઇનો ઉપયોગ ના કરવો, હાઇકોર્ટ કે સુપ્રીમ દ્વારા નક્કી કરાયેલા એઆઇ ટૂલનો જ ઉપયોગ કરી શકાશે તે પણ મર્યાદિત હેતુ માટે. કોઇ પણ પરિસ્થિતિમાં એઆઇનો ઉપયોગ નિર્ણય લેવા કે કાયદાકીય તર્કના વિકલ્પ તરીકે ના થવો જોઇએ તે સુનિશ્ચિત કરવા માટે આ પોલિસી જાહેર કરાઇ છે.
હાઇકોર્ટ દ્વારા જાહેર કરાયેલી એઆઇ નીતિ મુજબ જો કોઇ તેનું ઉલ્લંઘન કરશે તો તેની સામે અનુશાસનને લઇને કાર્યવાહી કરાશે. એઆઇનો ઉપયોગ કરવામાં આવે તો તેવા સંજોગોમાં યોગ્ય તાલિમ લીધી હોવી જરૂરી છે. ન્યાયિક એકેડમી અથવા હાઇકોર્ટ દ્વારા તેની તાલિમ અપાશે. જ્યારે એઆઇની મદદથી કાયદાકીય દસ્તાવેજો કે લખાણનું ભાષાંતર કરવામાં આવે ત્યારે જજોએ પોતે અથવા માન્ય ટ્રાન્સ્લેટર દ્વારા તેનું વેરિફિકેશન થવું જરૂરી છે. જ્યારે માન્ય એઆઇ ટૂલનો ઉપયોગ કરવામાં આવે ત્યારે પણ માનવ સુપરવિઝન જરૂરી છે. એઆઇ ટૂલ્સના ઉપયોગનું નિયમિત ઓડિટ થવું જોઇએ.