Gujarat Dam Water Status: ગુજરાતમાં અત્યારસુધી પડેલા નોંધપાત્ર વરસાદને પગલે જળસ્તરમાં પણ સુધારો થયો છે. હાલ 28 જળાશયો સંપૂર્ણ ભરાયેલા છે, જ્યારે 44 જળાશયો હાઇઍલર્ટ હેઠળ છે. રાજ્યના 206 જળાશયોમાં હાલ સરેરાશ 60.05 ટકા જળસંગ્રહ છે. જીવાદોરી સમાન સરદાર સરોવરમાં હાલનો સંગ્રહ 187307 મિલિયનક્યુબ ફિટ છે, જે કુલ સંગ્રહક્ષમતાના 56.07 ટકા છે.
આ જળાશયો છલોછલ થયા
રાજ્યમાં હાલ જે જળાશયો છલોછલ છે તેમાં અમરેલી, બોટાદ, દાહોદ, જામનગરના 2-2, કચ્છના 5, ભાવનગરના 4, સુરત-પોરબંદર-દેવભૂમિ દ્વારકા-નર્મદાના 1-1 જળાશયનો સમાવેશ થાય છે. 20મી જુલાઈની સ્થિતિએ 70 ટકાથી 100 ટકા વચ્ચે ભરાયેલા હોય તેવા 60, 50 ટકાથી 70 ટકા વચ્ચે ભરાયેલા હોય તેવા 37, 25 ટકાથી 50 ટકા વચ્ચે ભરાયેલા હોય તેવા 42 જ્યારે 25 ટકાથી નીચે ભરાયેલા હોય તેવા 39 જળાશયો છે.
આ પણ વાંચો: અમદાવાદમાં આજે વહેલી સવારથી જ મેઘમહેર, આ જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદની આગાહી
સૌથી વધુ કચ્છ ઝોનમાં ખાબક્યો વરસાદ
ગુજરાતમાં ચાલુ વર્ષે મોસમનો કુલ સરેરાશ વરસાદ 51.37 ટકા નોંધાયો છે. રાજ્યના વિવિધ ઝોનમાં ચાલુ વર્ષે વરસેલા વરસાદની દૃષ્ટિએ અત્યાર સુધીમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં 58.46 ટકા મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત ઝોનમાં 55.29 ટકા, પૂર્વ મધ્ય ઝોનમાં 49.50 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 49.38 ટકા જ્યારે સૌથી ઓછો ઉત્તર ગુજરાત ઝોનમાં 49 ટકા વરસાદ નોંધાયો છે.