Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં પાણીની ડિમાન્ડ વધતા નિમેટા ખાતે 75 એમએલડી ક્ષમતાનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાનું કામ હાથ પર લીધું છે. નિમેટાથી સરદાર એસ્ટેટ સુધી ટ્રાન્સમિશન લાઈન નાખવાનું કામ પણ ચાલુ કર્યું છે.
આ ઉપરાંત મહીસાગર ખાતે રાયકા ફ્રેન્ચવેલ પાસે ઇન્ટેકવેલ, પંપ હાઉસ અને 75 એમએલડી ક્ષમતાનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન બનાવવાનું ચાલુ કર્યું છે. આ બંને કામગીરી 353 કરોડના ખર્ચે કરવામાં આવનાર છે. જોકે શહેરની વર્ષ 2050 સુધીની વસ્તીને ધ્યાનમાં રાખીને 925 એમએલડી પાણીની જે જરૂરિયાત ઊભી થશે તેને ધ્યાનમાં રાખીને ઉકત ત્રણ પ્લાન્ટ સહિત બીજા છ પ્લાન્ટ ઊભા કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના અન્ય વિસ્તારોમા પાણીની લાઈનનું નેટવર્ક અપગ્રેડ કરવાની કામગીરી ચાલુ કરી છે. હાલ જ્યાં હળવા દબાણથી પાણી આવતું હોય કે પાણી ઓછું મળતું હોય તેવા વિસ્તારોમા પાણી ટેન્કર દ્વારા અપાય છે. મેન્ટેનન્સની કામગીરીના સમયે અને ગંદુ પાણી આવતું હોય તેવા સ્થળોએ પણ ટેન્કર દ્વારા પાણી આપવામાં આવે છે. ચાલુ વર્ષમાં ટેન્કર દ્વારા પ્રતિમાસ ટેન્કરના સાત હજાર ફેરા કરવામાં આવે છે.