Ram Mohan Naidu On Ahmedabad Plane Crash: સંસદમાં ચોમાસું સત્ર આજથી શરૂ થઈ ચૂક્યું છે. લોકસભામાં ચોમાસું સત્ર શરૂ થાય તે પહેલાં જ વિપક્ષે હોબાળો કરતાં કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે. જ્યારે રાજ્યસભામાં અમદાવાદ પ્લેન ક્રેશની ભયાવહ દુર્ઘટના પર ચર્ચા શરૂ થઈ છે. જેમાં કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ એર ઈન્ડિયા ક્રેશ મામલે અનેક વિગતો રજૂ કરી હતી.
રામ મોહન નાયડુએ રાજ્યસભામાં જણાવ્યું કે, AI-171 પ્લેન ક્રેશ મામલે AAIB દ્વારા આંતરરાષ્ટ્રીય પ્રોટોકોલ હેઠળ તપાસ થઈ રહી છે. તપાસનો પ્રથમ તબક્કો પૂર્ણ થયો છે. જેનો પ્રારંભિક રિપોર્ટ પણ રજૂ કરવામાં આવ્યો છે. પહેલાં જ્યારે બ્લેક બોક્સને થોડુ પણ નુકસાન થતું હતું, તો તેને નિર્માતા પાસે મોકલવુ પડતુ હતું. પરંતુ આ વખતે પ્રથમ વખત બ્લેક બોક્સનું ડિકોડિંગ ભારતમાં થયુ છે. જે એક મોટી ઉપલબ્ધિ છે.
દુર્ઘટનાની વિસ્તૃત તપાસ ચાલુ
નાયડુએ દુર્ઘટના કેવી રીતે અને શા કારણે સર્જાઈ તેના વિશે સ્પષ્ટતા આપતાં આગળ કહ્યું હતું કે, હાલ વિસ્તૃત તપાસ ચાલુ છે. અંતિમ રિપોર્ટ નક્કર નિષ્કર્ષ સામે આવ્યા બાદ રજૂ કરાશે. AAIBની નિષ્પક્ષતા પર વિશ્વાસ છે. તે નિષ્પક્ષ અને પ્રમાણિકપણે અમદાવાદ પ્લેન ક્રેશનો વિસ્તૃત રિપોર્ટ રજૂ કરશે.
આ પણ વાંચોઃ જન્માષ્ટમી ઈફેક્ટ! અમદાવાદ-ગોવાનું વન-વે એરફેર રૂ. 21 હજારે પહોંચ્યું, દુબઈ કરતાં મોંઘું
દુર્ઘટનામાં ખોટા દાવાઓનો પણ કર્યો ઉલ્લેખ
વધુમાં તેમણે વિવિધ મીડિયા દ્વારા આ મામલે રજૂ કરવામાં આવતાં મનસ્વી રિપોર્ટનો પણ ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, અમે સત્ય સાથે છીએ. એર ઈન્ડિયા કે બોઈંગના નિવેદનો કે રિપોર્ટ સાથે નહીં. તમામ લોકોને તપાસ પ્રક્રિયાનું માન જાળવી રાખવા અપીલ છે. તપાસ સંપૂર્ણપણે પૂર્ણ થયા બાદ જ વાસ્તવિક માહિતી મળશે. ભારત તમામ આંતરરાષ્ટ્રીય માપદંડોનું પાલન કરતાં આ મામલે તપાસ કરી રહ્યું છે. ઘણા પશ્ચિમી મીડિયા પોતાની જાતે જ ખોટો રિપોર્ટ ફેલાવી રહ્યા છે. જેની હું નિંદા કરુ છું. નોંધનીય છે, પશ્ચિમી મીડિયામાં દાવો કરાઈ રહ્યો છે કે, એર ઈન્ડિયાના પાયલટે ફ્યુલ સ્વિચ બંધ કરી દેતાં પ્લેન ક્રેશ થયું હતું.
એવિએશન સુરક્ષાની આપી ખાતરી
નાયડુએ એવિએશન સુરક્ષાની ખાતરી આપતાં સંસદમાં કહ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રાલયના નેતૃત્વ હેઠળ હાઈ લેવલ કમિટીની રચના થયેલી છે. જે એવિએશન ક્ષેત્રે સુરક્ષાના માપદંડોની સમીક્ષા તેમજ સુધારો કરવા ભલામણો કરે છે. આપણી પાસે સુરક્ષા સંદર્ભે સારૂ મિકેનિઝમ છે. પણ વધુ ચુસ્ત સુરક્ષાના માપદંડોને અનુસરતાં અમે સાર્વભૌમિક અભિગમ અપનાવી રહ્યા છીએ। જેના માટે આંતરરાષ્ટ્રીય સુરક્ષાના માપદંડોનો અભ્યાસ કરવામાં આવ્યો છે. આગામી ત્રણ મહિનામાં કમિટી પોતાનો રિપોર્ટ રજૂ કરશે.
અમદાવાદ પ્લેન ક્રેશમાં 260 લોકોના મોત
અમદાવાદ પ્લેન ક્રેશમાં 241 પેસેન્જર સહિત કુલ 260 લોકોના મોત નીપજ્યા હતાં. આ દુર્ઘટનામાં મોટાભાગના મૃતદેહો બળીને ખાખ થયા હતાં. જેની ઓળખ ડીએનએ દ્વારા કરવામાં આવી હતી.