Surat Corporation : સુરત મહાનગરપાલિકા આકારણી અને રેવન્યુ માટે સૌથી મહત્વની જગ્યા એકાઉન્ટન્ટ અને આસિસ્ટન્ટ મ્યુનિ. કમિશનરની હોવા છતાં સુરત પાલિકામાં ચીફ એકાઉન્ટન્ટ નથી અને 9 ઝોન મળીને રોકડા પાંચ આસિસ્ટન્ટ મ્યુનિ. કમિશનર ( એ.એમ.સી) છે અને તેમાંથી બે તો નજીકના ભવિષ્યમાં નિવૃત્ત પણ થઈ જશે. આવી સ્થિતિ છતાં છેલ્લા ચાર વર્ષથી ભરતી કરવામાં આવી નથી અને ઈનચાર્જ અથવા એક જ અધિકારીને એક કરતા વધુ ચાર્જ આપીને ગાડું ગબડાવવામાં આવી રહ્યું છે.
સુરત મહાનગરપાલિકાનું બજેટ 10 હજાર કરોડથી વધુનું છે અને સુરત મ્યુનિ.માં ઓકટ્રોયની નાબુદી બાદ પાલિકાની આવકનો મુખ્ય સ્ત્રોત વેરા અને ગ્રાન્ટ બની ગયાં છે. પાલિકાની આવક માટે સૌથી મહત્વનું પરિબળ વેરા અને આકારણી છે તેના માટે પાલિકાના આસી, કમિશ્નરની મહત્વની ભૂમિકા રહેલી છે. પરંતુ છેલ્લા ચાર વર્ષથી કોઈ ભરતી કરવામાં આવતી નથી કે જગ્યા ભરવામાં આવતી નથી. જેના કારણે હાલ એવી છે કે સુરત પાલિકાના નવ ઝોન છે પરંતુ એ.એમ.સી.ની જગ્યા માત્ર 5 જ છે અને એનાથી કપરી સ્થિતિ તો એ છે કે આ પાંચમાંથી બે અધિકારી તો ત્રણથી ચાર મહિનાના ગાળામાં નિવૃત્ત થાય છે.
એ.એમ.સી.ની જગ્યા મહત્વની છે પરંતુ નવ ઝોન વચ્ચે માત્ર પાંચ જ એ.એમ.સી. હોવાથી કેટલાકને બે ઝોનનો ચાર્જ સોંપવામાં આવ્યો છે તો અન્યને બીજી જવાબદારી પણ સોંપવામાં આવી છે. આવી સ્થિતિમાં પાલિકાનો આકારણી વિભાગ ભગવાન ભરોસે ચાલી રહ્યો છે. રિવિઝન આકારણી થવી જોઈએ એટલી આક્રમક થતી નથી. આવી સ્થિતિમાં પાલિકાના આકારણી વિભાગ અને હિસાબી વિભાગ ની કામગીરી નબળી પડી રહી છે.
આવી જ રીતે પાલિકાના હિસાબ કિતાબ માટે ચીફ એકાઉન્ટન્ટ ની અગત્યની જગ્યા છે છતાં આ જગ્યા ભરવા માં આવતી નથી અને ઇન્ચાર્જ થી ગાડું ગબડાવવામા આવે છે. ડેમને ચાર્જ સોંપાયો છે તેમની પણ નિવૃત્તિ ગાળો નજીક આવી રહ્યો છે. આમ પાલિકાના રેવન્યુ, ટેકનિકલ અને મેનેજમેન્ટ માટેની જે મહત્વની જગ્યા છે તે ભરાતી ન હોવાથી પાલિકા નો વહીવટ સામે અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે.