Surat : સુરત સહિત સમગ્ર રાજ્યની શાળાઓમાં શનિવારે બેગ લેસ ડે નો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ દિવસે શારીરિક કસરત, યોગ, બાળસભા અને ચિત્રકામ અને સંગીત જેવી પ્રવૃત્તિ કરાવવામાં આવે છે. જોકે, સુરત સહિત રાજ્યમાં ચિત્ર અને વ્યાયામ શિક્ષક સાથે સંગીત શિક્ષકો લગભગ છે જ નહીં. પરંતુ આ પ્રકારની પ્રવૃત્તિ કરવાની હોય રાજ્ય સરકારે સુરતમાં 47 જેટલા ચિત્ર અને સંગીત શિક્ષકોની ભરતી કરવામાં આવી છે. જોકે, આ ભરતી માટેના જે નિયમો છે તેના કારણે ચિત્ર કે સંગીતમાં વિસારદ થયાં હોય તો પણ તેમની હાલત છુટક મજુરી કરતા હોય તેવા મજૂરો જેવું વેતન જાહેર કરવામાં આવ્યું છે જે ચર્ચાનો વિષય બન્યો છે. જે શિક્ષકોની નિમણૂક થશે તેમને પ્રત્યેક તાસ દીઠ 50 રૂપિયા મળશે અને દિવસમાં છ કે આઠ જ તાસ લઈ શકશે.
સુરત સહિત રાજ્યમાં શનિવારે બેગ લેસ દિવસની શરુઆત થતાની સાથે જ ફરી એક વખત શિક્ષણ સમિતિ સામે પ્રશ્નો ઉભા થયા છે. હાલમાં બે શનિવારથી બેગ લેસ ડે શરૂ થયા છે તેમાં જે પ્રવૃત્તિ કરાવવામાં આવે છે તેના માટે સંગીત, ચિત્ર કે વ્યાયામ શિક્ષકે કામગીરી કરવાની હોય છે સુરત સમિતિ પાસે આવા શિક્ષકો ન હોવાથી વર્ગ શિક્ષક કે અન્ય શિક્ષક યોગ કે અન્ય પ્રવૃત્તિ કરાવી રહ્યાં છે. સમિતિ પાસે ચિત્ર કે વ્યાયામ શિક્ષક નથી આવી સ્થિતિ ગુજરાતમાં અનેક જગ્યાએ છે. જોકે, બેગ લેસ ડે ની જાહેરાત બાદ વિવાદ ન થાય તે માટે રાજ્ય સરકારે સુરત સહિત અનેક જગ્યાએ ચિત્ર અને સંગીતમાં વિસારદ થયેલા અંશકાલીન ચિત્ર-સંગીત શિક્ષકોની ફાળવણી કરવામાં આવી છે પરંતુ તેના માટેના નિયમોને કારણે વિવાદ ઉભો થયો છે.
અંશકાલીન ચિત્ર-સંગીત શિક્ષકોની ભરતી માટેના નિયમો કંઈક આવા છે આ શિક્ષકોને તાસ દીઠ 50 રૂપિયાનું ઉચ્ચક માનદ વેતન મળશે અને દિવસના વધુમાં વધુ છ થી આઠ તાસ લઈ શકશે અને મહિનાનું મહત્તમ 9 હજાર સુધીનું મહેનતાણું આપવાનું રહેશે. વિશારદ થયેલા શિક્ષકની ઉંમર 18 થી 38 વર્ષથી રહેશે. ઉમેદવારોની પસંદગી વખતે જાહેરાત આપવાની રહેશે નહીં કે નિમણૂંક પત્ર આપવાનો રહેશે નહી.
ઉપરાંત વધુમાં શરત છે કે, શિક્ષકને ચાલુ શૈક્ષણિક કામગીરી માં કોઈ રજા કે છૂટ આપી શકાશે નહીં અને નિમણૂકવાળી શાળામાં યોગ્ય કામ કરે છે કે કેમ? તેની ચકાસણી કરાશે, આ શિક્ષકોના પગાર માટે દર મહિને ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવશે. આમ આ શિક્ષકોનો પગાર ગ્રાન્ટ પર રહેશે ગ્રાન્ટ મોડી થશે તો પગાર પણ મોડો થશે. આવા શિક્ષકોને પગાર તથા નિયમો રખાયા છે તેના કારણે વિવાદ ઉભો થયો છે.
ગુજરાત સરકારે સુરત શિક્ષણ સમિતિ માટે 24 ચિત્ર શિક્ષક અને 23 સંગીત શિક્ષકો મળી 47 શિક્ષકોની ફાળવણી કરી છે. તેઓ હવે શનિવારના બેગ લેસ ડેમાં કામગીરી કરશે. પરંતુ અન્ય શાળામાં વર્ગ શિક્ષક કે અન્ય શિક્ષકે જ પ્રવૃત્તિ કરવાની રહેશે.