– રેવન્યૂ સબઓર્ડિનેટ એસો. વર્ગ-૩ના નેજા હેઠળ
– વિભાગ દ્વારા પ્રમોશન માટે નવી યાદી બનાવવા, જિલ્લા ફેરબદલીની રજૂઆતોનો નિર્ણય લેવા માંગ
નડિયાદ : ખેડા જિલ્લામાં મહેસુલી કર્મચારીઓએ પોતાના પડતર માંગણીઓ સંદર્ભે કલેક્ટરને આવેદપત્ર આપવામાં આવ્યું હતું. ખેડા જિલ્લાના રેવન્યુ? સબઓર્ડિનેટ એસોસિયેશન વર્ગ-૩ના નેજા હેઠળ આપવામાં આવેલા આવેદનમાં ૪ અલગ અલગ મુદ્દાઓને ટાંકવામા આવ્યા છે.
આ આવેદનપત્ર જણાવ્યા મુજબ, નાયબ મામલતદાર સંવર્ગની યાદી છેલ્લા ૮ વર્ષથી વધારે સમયથી બનેલી નથી. વિભાગના પરિપત્રથી પ્રસિધ્ધ કરેલી યાદીમાં જે તે સમયે રહેલ ક્ષતિઓના કારણે તેમજ આ કામે રજુ થયેલા વાંધાઓની સુનાવણી અને નિર્ણય થયેલા ન હોવાથી, વિભાગકક્ષાએ જરૂરી સુધારો કરી નવેસરથી યાદી બનાવવી જરૂરી છે. આ અંગે નાયબ મામલતદારની રજુઆતો ધ્યાને લઈ તેમને ડિમ્ડડેટ મુજબ યાદીમાં આગળનું સ્થાન મળવાપાત્ર હોય, તે મુજબ ડિમ્ડડેટ સાથેની નિયમોનુસાર અદ્યતન પ્રવરતા યાદી બનાવવામાં આવે, તેમજ તે આધારે તાત્કાલિક નાયબ મામલતદારથી મામલતદારના પ્રમોશન આપવા કાર્યવાહી કરવામાં આવે. રાજ્યમાં ફરજ બજાવતા કર્મચારીઓના જિલ્લા ફેર બદલીની જેટલી રજૂઆતો વિભાગ ખાતે હાલ પડતર છે તેનો તાત્કાલિક નિર્ણય કરવો, તેમજ હવે પછી રજુ થતી જિલ્લા ફેર બદલીની નવી અરજીઓ માટે ઓનલાઈન પ્લેટફોર્મ મારફતે પારદર્શક પદ્ધતિનો ઉપયોગ કરવો જરૂરી છે. વધુમાં, કલેક્ટર કક્ષાના / જિલ્લા કક્ષાના એનઓસી મેળવવાની પ્રથા બંધ કરી જિલ્લા બદલીની અરજીઓનો જે તે વર્ષમાં નિકાલ કરવાની પ્રથા અમલમાં મુકવાની માંગણીઓ કરાઈ છે.
2015 પહેલાના તમામ કારકુનોને પ્રમોશન આપવાની માંગણી
આવેદનમાં માંગણી કરાઈ છે કે, કારકુનથી નાયબ મામલતદારના પ્રમોશનની કાર્યવાહી હાલ ચાલુ છે. જેમાં હાલ ઉપલબ્ધ મહત્તમ જગ્યાઓ પર પ્રમોશન આપવામાં આવે અને ૨૦૧૫માં નિમણૂક પામેલા તમામ કારકુનોને એક સાથે પ્રમોશન આપવાની કાર્યવાહી કરવા માંગણી કરી છે.
માસ સીએલથી માંડી હડતાલ સુધીની ચિમકી
હાલમાં તથા અગાઉ જે નાયબ મામલતદારોની માંગણી કે મંજૂરી વગર જિલ્લા ફેર બદલી કરેલી છે, તે તમામ હુકમો રદ કરવા તથા ભવિષ્યમાં આવા હુકમ ન કરવા માંગ કરવામાં આવી છે. આગામી ૧૦ દિવસમાં હકારાત્મક નિકાલ કરવામાં નહીં આવે તો જિલ્લામાં મહેસુલી કર્મચારીઓ દ્વારા કાળી પટ્ટી ધારણ કરવી, માસ સીએલ અને હડતાલ જેવા કાર્યક્રમો કરવામાં આવશે.