વડોદરાના ડભોઈ-વાઘોડિયા રિંગ રોડ પર આવેલી નારાયણ વિદ્યાલયના વાલીઓ અને શિક્ષકોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને સ્કૂલ ચાલુ કરવા માંગણી કરી હતી. સાત મહિના પહેલા સ્કૂલની એક દિવાલનો ભાગ તૂટી પડવાથી આ શાળાને સીલ મારવામાં આવ્યું હતું. આશરે 700 કરતા વધારે વિદ્યાર્થીઓને નારાયણ ઈન્ટરનેશનલ નામની બીજી સ્કૂલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. આમ છતાં વાલીઓ અને વિદ્યાર્થીઓ બંધ પડેલી શાળા પુનઃ ચાલુ કરવા લડી રહ્યા છે. કલેકટર અને આવેદનપત્ર આપ્યા બાદ દેખાવ કરનારાઓએ જણાવ્યું હતું કે અગાઉ પણ રજૂઆત કરવામાં આવી હોવા છતાં કેમ શરૂ કરવામાં આવતી નથી, શાળાનું સીલ કેમ ખોલવામાં આવતું નથી, શાળાનો સ્ટ્રકચર સ્ટેબિલિટી રિપોર્ટ પણ જાહેર કરવામાં આવતો નથી તે સવાલ અમે ઉઠાવ્યા છે. આ મુદ્દે કલેકટર તરફથી વાલીઓ અને શિક્ષકોને સીલ નહીં ખોલવું અને રિપોર્ટ કેમ જાહેર થયો નથી તેની તપાસ કરી જિલ્લા શિક્ષણ અધિકારી સાથે મીટીંગ કરાવવા ખાતરી આપી હોવાનું તેઓએ જણાવ્યું હતું.