વડોદરાઃ વડોદરા જિલ્લા પંચાયત અને વડોદરા તાલુકા પંચાયતમાં ભાજપની જ સત્તા હોવા છતાં બંને પંચાયતોના શાસકો વચ્ચે મનમેળ જામતો નથી.પરિણામે તાલુકા પંચાયતની કારોબારી સમિતિના ચેરમેન બીરેન પટેલે આજે ભાજપના જ જિલ્લા પંચાયતના સત્તાધીશો સામે નારાજગી વ્યક્ત કરી હતી.
વડોદરા જિલ્લા પંચાયતના બહુમાળી ભવનમાં ગ્રાઉન્ડ ફ્લોર પર વડોદરા તાલુકા પંચાયતની કચેરી આવેલી છે.જેનું જિલ્લા પંચાયત દ્વારા માસિક રૃ.૩૧ હજાર જેટલું ભાડું વસૂલવામાં આવે છે.
વડોદરા તાલુકા પંચાયત દ્વારા વારંવાર નવીકચેરી બનાવવા માટે ૯૨ હજાર ફૂટ જમીન ફાળવવા જિલ્લા પંચાયત સમક્ષ માંગણી કરવામાં આવી છે.આ માટે કારોબારી સમિતિ તેમજ તાલુકા પંચાયતની સામાન્ય સભામાં ઠરાવો પણ કરવામાં આવ્યા છે.પરંતુ જિલ્લા પંચાયત તરફથી છેલ્લા દસ વર્ષથી કોઇ પ્રતિસાદ આપવામાં આવતો નથી.
આમ,વડોદરા જિલ્લા ભાજપમાં જ આંતરિક વિખવાદ સર્જાતાં તાલુકા પંચાયતની નવી કચેરીના મુદ્દે પ્રદેશ ભાજપના આગેવાનોને દરમિયાનગિરી કરવી પડે તેવો વખત આવ્યો છે.