– બાલાસિનોરના સલિયાવડી ગામમાં અકસ્માત
– બસનું ટાયર માથા પરથી ફરી વળ્યું કપડવંજના વેજલપુર ગામનું દંપતી ખંડિત
બાલાસિનોર : બાલાસિનોરના સલિયાવડી ગામમાં એસટી બસે બાઈકને ટક્કર મારતા કપડવંજના વેજલપુર ગામનું દંપતી રોડ પર પટકાયું હતું. એસટી બસનું ટાયર માથા પર ફરી વળતા પત્નીનું મોત થયું હતું.
ક૫ડવંજ તાલુકાના વેજલપુર ગામમાં રહેતા અને ખેતી કરતા ચીનુભાઇ ડાહ્યાભાઇ પરમાર ગત શનિવારે તેમના ૫ત્ની મધુબેન સાથે મોટરસાયકલ લઇને બાલાસિનોર તાલુકાના ગાગરના મુવાડા ગામે તેમની સાસરીમાં ગયા હતા. આખો દિવસ ત્યાં રોકાયા બાદ સાંજે દં૫તી પોતાના ઘરે પરત ફરી રહ્યું હતું. ત્યારે
સલીયાવડી ગામે મહાદેવજીના મંદિર પાસે એસટી બસના ચાલકે વળાંકમાં પાછળના ભાગેથી મોટરસાયકલને ટક્કર મારી હતી. જેના પગલે દંપતી નીચે પડી ગયું હતું.
મધુબેનના માથા ૫ર એસટી બસનું પાછળનું વ્હીલ ફરી વળતા ઘટનાસ્થળે જ તેમનું મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ એકત્ર થઇ ગયેલા સ્થાનિકોએ ૧૦૮ મારફતે મૃતદેહ અને ઇજાગ્રસ્ત પતિને બાલાસિનોર સરકારી દવાખાને ખસેડયા હતા. મૃતદેહનું પીએમ કરાયું હતું. ફરિયાદી ચીનુભાઇને ડાબા ૫ગના થાપાના ભાગે ઇજા થઇ હોવાથી તેની સારવાર કરવામાં આવી હતી. બાલાસિનોર પોલીસે એસટી બસના ચાલક સામે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.