મુંબઈ : અમેરિકન ફેડરલ રિઝર્વની ઓપન માર્કેટ કમિટિના ચેરમેન જેરોમ પોવેલ પર વ્યાજ દરમાં ઘટાડો કરવાના અમેરિકન પ્રુમખ ડોનાલ્ડ ટ્રમ્પના દબાણને જોતા વર્તમાન મહિનાના અંતે મળી રહેલી બેઠકમાં ફેડરલ દ્વારા વ્યાજ દરમાં ટોકનરૂપ ઘટાડો આવવાના અહેવાલે વિશ્વ બજારમાં ડોલર ઈન્ડેકસ નબળો પડતા સપ્તાહના પ્રથમ દિવસે વૈશ્વિક સોનામાં મોટી રેલી આવી હતી.
આ રેલીને પગલે ઘરઆંગણે કિંમતી ધાતુમાં નવા વિક્રમ જોવા મળી રહ્યા છે. અમદાવાદ ચાંદીએ રૂપિયા ૧,૧૫,૦૦૦ સાથે નવી ટોચ બતાવી હતી. અન્ય કિંમતી ધાતુ સોના, પ્લેટિનમ તથા પેલેડિયમમાં તેજી જોવા મળી હતી. ક્રુડ તેલમાં ભાવમાં સ્થિરતા જોવા મળી હતી. જૂનમાં ચીનની ક્રુડ તેલની આયાત વધી બે કરતા વધુ વર્ષની ઊંચી સપાટીએ પહોંચા ભાવને ટેકો મળી રહ્યો છે.
સ્થાનિક મુંબઈ ઝવેરી બજારમાં સપ્તાહના પ્રથમ દિવસે ગયા સપ્તાહના અંતની સરખામણીએ સોનાના ભાવમાં સુધારો જોવા મળ્યો છે. ૯૯.૯૦ દસ ગ્રામ સોનાના જીએસટી વગરના ભાવ જે શનિવારે બંધ બજારે ખાનગીમાં રૂપિયા ૯૮૨૦૦ કવોટ થતા હતા તે આજે અંદાજે રૂપિયા ૫૦૦થી વધુ ગેપથી ખૂલી મોડી સાંજે રૂપિયા ૯૮૮૯૬ બંધ આવ્યા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. ૯૯.૫૦ દસ ગ્રામ સોનાના જીએસટી વગરના ભાવ રૂપિયા ૯૮૫૦૦ બોલાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. મુંબઈ ચાંદી .૯૯૯ જે શનિવારે ખાનગીમાં પ્રતિ કિલો રૂપિયા ૧,૧૨,૩૦૦ બોલાતી હતી તે રૂપિયા ૧૦૦૦થી વધુ ઉછળી રૂપિયા ૧૧૩૪૬૫ રહી હતી. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા.
અમદાવાદ બજારમાં સોનાના ૯૯.૯૦ના દસ ગ્રામ દીઠ ભાવ રૂપિયા ૧૦૧૫૦૦ જ્યારે ૯૯.૫૦ના પ્રતિ દસ ગ્રામ રૂપિયા ૧૦૧૨૦૦ મુકાતા હતા.ચાંદી .૯૯૯ એક કિલોના ભાવ રૂપિયા ૧૧૫૦૦૦ સાથે નવી ટોચે જોવા મળ્યા હતા. શનિવારની સરખામણીઅ ચાંદીના ભાવ રૂપિયા ૧૫૦૦ ઊંચકાયા હતા.
વિશ્વ બજારમાં સોનુ પ્રતિ ઔંસ ૩૩૭૧ ડોલર, ચાંદીઔંસ દીઠ૩૮.૪૮ ડોલર મુકાતી હતી. પ્લેટિનમ પ્રતિ ઔંસ ૧૪૫૦ ડોલર જ્યારે પેલેડિયમ ૧૨૭૪ ડોલર મુકાતુ હતું. ડોલર ઈન્ડેકસ ગબડતા ફન્ડોનું કિંમતી ધાતુમાં બાઈંગ આવ્યું હતું.
ગત મહિને ચીને પ્રતિ દિન ૧.૨૧ કરોડ બેરલ ક્રુડ તેલ આયાત કર્યું હતું જેને જોતા ક્રુડ તેલમાં માગ વધવાની ધારણાંએ ભાવ મક્કમ રહ્યા હતા.ચીનની ક્રુડ તેલની આયાત ગત મહિને બે કરતા વધુ વર્ષની ઊંચી સપાટીએ રહી હતી. નાયમેકસ ડબ્લ્યુટીઆઈ ક્રુડ તેલ ૬૭.૨૫ ડોલર જ્યારે આઈસીઈ બ્રેન્ટ ક્રુડ ઓઈલ ૬૯.૦૬ ડોલર મુકાતુ હતું.