વડોદરા,વડોદરા કોર્પોરેશન દ્વારા ૧૨ ઓવરબ્રિજ પર સલાહકાર દ્વારા રિકાર્પેટીંગ કરવાની કોઇ સલાહ આપી ન હતી, માત્ર નાનું મોટું રિપેરિંગ કરવાનું સૂચવ્યું હતું, આમ છતાં કોર્પોરેશને ૩૧.૩૭ કરોડનો બિનજરૃરી ખર્ચ કરતા વિજિલન્સ તપાસની માગણી થઇ છે.
વિરોધ પક્ષ કોંગ્રેસના પૂર્વ મહિલા નેતાના કહેવા મુજબ શહેરના ૧૨ ઓવરબ્રિજની સ્થળ તપાસ કર્યા બાદ કોર્પોરેશનને પત્ર પણ લખેલો છે. સલાહકારના રિપોર્ટની તપાસ કરતા તેમાં કોઇપણ સ્થળે રિકાર્પેટિંગ કરવાનું સૂચવ્યું નથી. જ્યાં જરૃર હોય ત્યાં નાનું મોટું રિપેરિંગ કરવા કહ્યું હતું. આમ છતાં સ્ટેન્ડિંગ સમિતિમાં જ્યારે આ કામ માટે દરખાસ્ત મુકવામાં આવી હતી, તેમાં સલાહકારના અભિપ્રાયનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, પરંતુ સલાહકારે તો એવો કોઇ અભિપ્રાય આપ્યો નથી. આમ ઇજનેરો અને કોન્ટ્રાકટરની મિલીભગતના કારણે આ કામગીરી કરવામાં આવી રહી છે એવો આક્ષેપ કરી તેમણે જણાવ્યું છે કે આમાં લોકોને હેરાનગતિ ભોગવવી પડી છે. રોડ ડાઇવર્ઝનના કારણે પેટ્રોલનો વિના કારણે ધુમાડો કરવામાં આવ્યો છે. ૩૧.૩૭ કરોડનો બિનજરૃરી ખર્ચ કરી પ્રજાકીય નાણાનો બગાડ કર્યો છે. આ પ્રકરણમાં પેમેન્ટ રોકી દેવા અનુરોધ કર્યો છે. આ ૧૨ બ્રિજમાં શાસ્ત્રીબ્રિજ, અમિતનગર, સાથે સાથે ફતેગંજ, સોમા તળાવ, લાલબાગ, જેતલપુર, હરીનગર, કલાલી, અકોટા વગેરેનો સમાવેશ ઔથાય છે.