મુંબઈ : વર્તમાન નાણાં વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં દેશની ખાનગી ક્ષેત્રની બેન્કોમા રિટેલ ધિરાણ વૃદ્ધિ મંદ રહી છે જે ઉપભોગતાઓ દ્વારા લકઝરી માલસામાનની ખરીદી ધીમી પડી હોવાનું સૂચવે છે. જો કે આગામી તહેવારોની મોસમમાં રિટેલ ધિરાણ વધવાની ખાનગી બેન્કના સંચાલકો અપેક્ષા રાખી રહ્યા છે. રિટેલ ધિરાણ મંદ રહેતા બેન્કિંગ ક્ષેત્રમાં એકંદરધિરાણ વૃદ્ધિ પણ મંદ રહી છે.
દેશની પાંચ મોટી ખાનગી ક્ષેત્રની બેન્કોએ જૂન ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા છે જેમાં તેમની રિટલ લોન બુકમાં એક અંકી વધારો જોવા મળ્યો છે. આ બેન્કો હવે વ્યાજ દરમાં વધુ ઘટાડા અને આગામી તહેવારોની મોસમ પર નજર રાખી રહી છે. વર્તમાન કેલેન્ડર વર્ષમાં રિઝર્વ ેબેન્કે રેપો રેટમાં અત્યારસુધી એક ટકો ઘટાડો કર્યો છે.
ખાનગી ક્ષેત્રની બેન્કોમાં એચડીએફસી બેન્ક, યસ બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, એક્સિઝ તથા આરબીએલ બેન્કે જૂન ત્રિમાસિક પરિણામ જાહેર કર્યા છે.
વર્તમાન વર્ષના મેમાં બેન્કિંગ ક્ષેત્રમાં એકંદર ધિરાણ વૃદ્ધિ૧૩.૭૦ ટકા રહી હતી જે ગયા વર્ષના મેમાં ૧૯ ટકા જોવા મળી હતી. અન્ય વ્યક્તિગત લોન્સ, વાહન લોન્સ તથા ક્રેડિટ કાર્ડસ લોન વૃદ્ધિ મંદ રહેતા રિટેલ ધિરાણનું ચિત્ર નબળું જોવા મળી રહ્યાનું બેન્કિંગ ક્ષેત્રના વર્તુળોએ જણાવ્યું હતું.
દેશમાં એકંદર ફુગાવો ઘટી રહ્યો છે તેને ધ્યાનમાં રાખતા આગામી તહેવારોમાં ગ્રાહકોની ખરીદ શક્તિમાં વધારો થવાની ધારણાં છે. આ ઉપરાંત આવક વેરામાં અપાયેલી રાહત પણ લોન વૃદ્ધિ માટે કારણભૂત બની શકે છે.
રેપો રેટમાં એક ટકા જેટલા ઘટાડા ઉપરાંત રિઝર્વ બેન્ક દ્વારા નાણાં વ્યવસ્થામાં વધુ લિક્વિડિટી ઠાલવવાની જાહેરાતથી પણે બેન્કો પાસે પૂરતી માત્રામાં ભંડોળ ઉપલબ્ધ બની રહેશે.
બેન્કોની એસેટ કવોલિટી મજબૂત હોવાનું ધ્યાનમાં રાખતા અનસિકયોર્ડ લોન છૂટી થવામાં વધારો જોવા મળશે એમ પણ સુત્રો માની રહ્યા છે. વ્યાજ દરમાં ઘટાડાને કારણે લોનધારકોના ઈએમઆઈમાં પણ થયેલા ઘટાડાને બેન્કો પોઝિટિવ માની રહી છે.