Indian Origin Gita Gopinath Resigns From IMF: ભારતીય મૂળના અર્થશાસ્ત્રી ગીતા ગોપીનાથે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ના ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર પદ પરથી રાજીનામું આપી દીધું છે. ગીતા સાત વર્ષથી IMF સાથે સંકળાયેલા હતાં. રાજીનામું આપવા પાછળનું કારણ તેમનો શિક્ષણ પ્રત્યેનો લગાવ જણાવ્યું હતું. તેઓ ફરીથી હાર્વર્ડ યુનિવર્સિટીમાં ભણાવવા જશે. ગોપીનાથના રાજીનામાં બાદ આઈએમએફના મેનેજિંગ ડિરેક્ટર ક્રિસ્ટાલિના જ્યોર્જિવા ગોપીનાથની કામગીરી સંભાળશે.
ગીતા ગોપીનાથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ મારફત રાજીનામા અંગેની જાહેરાત કરી હતી કે, ‘IMF સાથે લગભગ સાત અદ્ભુત વર્ષ પસાર કર્યા બાદ મેં મારા શૈક્ષણિક મૂળ તરફ પાછા ફરવાનો નિર્ણય લીધો છે.’ ગીતા ગોપીનાથ 2019માં આઈએમએફમાં ચીફ ઈકોનોમિસ્ટ તરીકે જોડાયા હતાં. તેઓ આઈએમએફમાં આ ભૂમિકા નિભાવનારા પ્રથમ મહિલા હતા. બાદમાં જાન્યુઆરી, 2022માં તેમને ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર પદે પ્રમોશન મળ્યું હતું.
અર્થશાસ્ત્રીઓની નવી પેઢી તૈયાર કરશેઃ ગીતા
IMF માં જોડાતા પહેલા, ગીતા ગોપીનાથે હાર્વર્ડ યુનિવર્સિટી (2005-2022) માં ઇન્ટરનેશનલ સ્ટડીઝ અને ઇકોનોમિક્સના જોન ઝ્વાન્સ્ટ્રા પ્રોફેસર હતા. તે પહેલાં, તેઓ શિકાગો યુનિવર્સિટીના બૂથ સ્કૂલ ઓફ બિઝનેસમાં અર્થશાસ્ત્રના આસિસ્ટન્ટ પ્રોફેસર (2001-2005) તરીકે કામ કરી રહ્યા હતા. આગામી એક સપ્ટેમ્બરથી ફરી તેઓ હાર્વર્ડ યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર વિભાગમાં પ્રોફેસર તરીકે પોતાની નવી ઈનિંગ શરૂ કરશે. તેમણે કહ્યું કે તેઓ શૈક્ષણિક ક્ષેત્રમાં પાછા ફરવા અને આંતરરાષ્ટ્રીય ફાઇનાન્સ અને મેક્રોઇકોનોમિક્સમાં સંશોધનને આગળ વધારવા માટે ઉત્સાહિત છે. ઉપરાંત, તેઓ અર્થશાસ્ત્રીઓની નવી પેઢી તૈયાર કરવામાં યોગદાન આપવા માંગે છે.
આ પણ વાંચોઃ નવા ઉપરાષ્ટ્રપતિની રેસમાં આ નેતાનું નામ સૌથી આગળ, બિહાર સાથે છે નાતો
આઈએમએફને મજબૂત દિશા આપવાનું યોગદાન
તેમના કાર્યકાળ દરમિયાન, તેમણે IMFની રાજકોષીય અને નાણાકીય નીતિ, લોન પ્રક્રિયા અને આંતરરાષ્ટ્રીય વેપાર પરની નીતિઓનું નિરીક્ષણ કર્યું. તેમણે કોવિડ-19 મહામારીથી માંડીને વૈશ્વિક આર્થિક મંદી સુધીની જટિલ પરિસ્થિતિઓમાં IMF ને મજબૂત દિશા આપી હતી. આઈએમએફના મેનેજિંગ ડિરેક્ટર ક્રિસ્ટાલિનાએ ગીતા ગોપીનાથને એક ઉત્કૃષ્ટ સહયોગી, પ્રતિબદ્ધ વ્યક્તિ, અને સારા મેનેજર ગણાવ્યા હતાં. તેમણે આઈએમએફની નીતિગત દિશાને સ્પષ્ટતા સાથે વેગ આપ્યો હતો.
દિલ્હી યુનિવર્સિટીમાં અભ્યાસ
ગીતા ગોપીનાથનો જન્મ ભારતમાં થયો હતો અને તેમણે ભારત અને અમેરિકા બંનેમાં શિક્ષણ મેળવ્યું હતું. તેમણે દિલ્હી યુનિવર્સિટીમાંથી સ્નાતક, દિલ્હી સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી માસ્ટર ડિગ્રી અને પ્રિન્સટન યુનિવર્સિટીમાંથી પીએચડી કર્યું છે.