દેશનો પૈસાદાર વર્ગ માને છે કેે ક્રિપ્ટો કરન્સી એ ૨૧મી સદીનું ડિજીટલ ગોલ્ડ બનશે
અમદાવાદ : ભારતના પૈસાદારો અને હાઇ નેટવર્થ ધરાવતા લોકો સોનામાં રોકાણ કરતા આવ્યા છે. રોકાણ કરવાની વાત આવે ત્યારે તેમની પહેલી પસંદ સોનું હોય છે. જોકે હવે ટ્રેન્ડ બદલાતો જોવા મળી રહ્યો છે. દેશના હાઇ નેટવર્થ ધરાવતા લોકો તેમનું ૨ થી ૫ ટકા જેટલું રોકાણ બિટકોઇન જેવી ક્રિપ્ટો કરંસી તરફ વાળી રહ્યા છે.
વર્ષોથી સોનું એ પૈસાદારોની પહેલી પસંદ રહ્યું છે. લગ્નોમાં ગીફ્ટ તરીકે અને લગ્નોના વ્યવહારમાં સોનાનો ઉપયોગ થતો આવ્યો છે. સોનું આપણી સંસ્કૃતિ સાથે વણાઇ ગયેલું છે અને લોકોને સોનામાં વિશ્વાસ પણ રહેલો છે.
જોકે હવે આશ્ચર્યજનક રીતે દેશના હાઇનેટવર્થ ધરાવતા લોકોેએ રોકાણ માટેની પસંદગીના વ્યવહારમાં સોનાની સાથે બિટકોઇન જેવી ક્રિપ્ટો કરંસીને પણ સ્થાન આપવાનું શરૂ કર્યું છે.
શા માટે દેશના પૈસાદારો ક્રિપ્ટો કરંસી તરફ વળી રહ્યા છે તે જાણવાના પ્રયાસ થઇ રહ્યા છે. ક્રિપ્ટો તરફનો ટ્રેન્ડ તાજેતરમાં જોવા મળી રહ્યો છે. ક્રિપ્ટો ેતો હજુ માંડ બે દાયકાથી જોવા મળી રહ્યો છે તો પણ તેનામાં સોના જેટલો વિશ્વાસ મુકવા પાછળનું કારણ જાણવા કોશિષ થઇ રહી છે.
ક્રિપ્ટો કરંસી સાથે સંકળાયેલા લોકો જણાવે છેકે અમેરિકાના પ્રમુખ પદે ડોનાલ્ડ ટ્રમ્પ આવ્યા પછી ક્રિપ્ટો કરંસીમાં બહુ મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. બીટકોઇનના ભાવ જ્યારે એક લાખને વટાવી દે ત્યારે માર્કેટમાં તેના પર વિશ્વાસ ઉભો થાય તોે સ્વભાવિક છે.
આર્થિક સલાહકારો વારંવાર કહેતા આવ્યા છેકે એકજ ક્ષેત્રમાં રોકાણ કરવું તેના બદલે અન્ય ક્ષેત્રમાં પણ રોકાણ કરવું જોઇએ. પૈસાદારો આવી સલાહ અનુસરવા માંગતા હતા પરંતુ સોનાની સમકક્ષ અન્ય કોઇ ક્ષેત્ર દેખાતું નહોતું. કોઇ ક્ષેત્ર હોય તો પણ તેનામાં વિશ્વાસ ઉભો થાય તે મહત્વનું છે.
માંડ બે દાયકા પહેલાં તો ક્રિપ્ટો કરંસીનો જન્મ પણ નહોતો થયો તો પછી તેના પર સોના જેટલો વિશ્વાસ કેવી રીતે મુકી શકાય તે ગડમથલમાં રહેલા પૈસાદારોએ ડોનાલ્ડ ટ્રમ્પના આવ્યા બાદ ક્રિપ્ટો કરંસીમાં ઉછાળા જોયા હતા. તેના સતત વધતા ભાવ જોઇને પૈસાદારોને વિશ્વાસ ઉભો થવા લાગ્યો હતો.
હવે જ્યારે વિશ્વ સ્તરે ક્રિપ્ટો કરંસીની ચર્ચા થઇ રહી છે ત્યારે ભારતના પૈસાદારોને ક્રિપ્ટો પર પ્રેમ ઉપજ્યો હતો. આ પૈસાદારોએ તેમના રોકાણના પોર્ટફોલિયોમાં ક્રિપ્ટો કરંસીનો ઉમેરો શરૂ કર્યો છે. લોકો બિટકોઇન,એથરમ,અને સોલેના જેવા ત્રણ ક્રિપ્ટોમાં રોકાણ કરી રહ્યા છે. ક્રિપ્ટોમાં પૈસાદારોએ કરેલા કુલ રોકાણ પૈકી ૭૦ ટકા રોકાણ આ ત્રણ ક્રિપ્ટોમાં જોવા મળે છે.
માત્ર સોનામાં જ પૈસા રોકવાનું પૈસાદારોનું માઇન્ડ સેટ બદલાઇ રહ્યું છે. દેશનો પૈસાદાર વર્ગ માને છે કે ક્રિપ્ટો કરંસી એ ૨૧મી સદીનું ડિજીટલ ગોલ્ડ બનશે.