Swadesh Store Opening in EROS: રિલાયન્સ રિટેલનો નવી ફ્લેગશીપ બ્રાન્ડ ‘સ્વદેશ’નો સ્ટોર આગામી 25 જુલાઈ, 2025ના રોજ મુંબઈના ઈરોસમાં શરૂ થવા જઈ રહ્યો છે. ભારતની પરંપરાગત કલા અને કલાકારોને પ્રોત્સાહન આપવા પ્રતિબદ્ધ ‘સ્વદેશ’ના નવા સ્ટોરની શરૂઆતના ભાગરૂપે આયોજિત પૂજા-હવનમાં નીતા અંબાણી, તેમની દીકરી ઈશા, પુત્રવધૂ શ્લોકા, અને રાધિકાએ હાજરી આપી હતી. ભારતીય પંરપરા અને કલાકારોની અજોડ કળાને બિરદાવતા પ્લેટફોર્મ આપતી સ્વદેશની આ નવી શરૂઆત પૂજા-પ્રાર્થના સાથે થઈ હતી.
સ્વદેશ ફ્લેગશીપ સ્ટોરના ઉદ્ધાટન પહેલાં નીતા અંબાણી પૂજામાં ભારતીય પરંપરાને અનુરૂપ મદુરાઈ કોટન ઘરચોળા સાડી પહેરીને આવ્યા હતાં. આ સાડી રાજકોટના રાજશ્રુદરે 10 મહિનાની અંદર તૈયાર કરી હતી. નીતા અંબાણીએ મનિષ મલ્હોત્રા દ્વારા સ્ટાઈલ કરેલો એન્ટિક ગોલ્ડ-ઓલ્ડ-વર્લ્ડ એમ્બ્રોડરીનો ફિરોજી સિલ્ક કાચલી બ્લાઉઝ સાથે ઘરચોળું પહેર્યું હતું.
અંબાણીએ વારસાગત સોનાનો બાજુબંધ પહેર્યો હતો. જે તેમને તેમના લગ્નમાં મોસાળ તરફથી ભેટમાં મળ્યો હતો. તે એક આભૂષણ નહીં પરંતુ વારસો, પરંપરા, અને પ્રેમનું પ્રતીક દર્શાવતું હતું. આ બાજુબંધ હવે નીતા અંબાણી પોતાની પુત્રી ઈશાને આપશે, બાદમાં ઈશા પોતાની દીકરી આદ્યશક્તિને સોંપી પરંપરા નિભાવશે.
તેમણે ‘સ્વદેશ’નો એક ઉત્કૃષ્ટ નેકલેસ પહેર્યો હતો. વ્હાઈટ હોલ્ડ અને હાથથી દોરવામાં આવેલી ભગવાન શ્રીનાથના જીવનની દિવ્ય ક્ષણોથી ડિઝાઈન આ નેકલેસ કલાત્મકતા અને આધ્યાત્મિકતાનું મિશ્રણ બન્યું છે. આ પૂજામાં નીતા અંબાણી, અને તેમના પરિવાર દ્વારા પહેરવામાં આવેલી પ્રત્યેક આભૂષણ અને વસ્ત્રો ભારતની પરંપરા, સાંસ્કૃતિક વારસાની જાળવણી કરતાં ભારતીય કલાકારોને સન્માન આપવાની પ્રતિબદ્ધતાનો સંદેશ આપી રહ્યા હતાં.