Surat : સુરત પાલિકાના કતારગામ ઝોનમાં ત્રણ ટીપી સ્કીમમાં રહેણાંક ઝોનમાં ફરીથી મુકાયેલા રિઝર્વશન મુદ્દે હજી પણ ભારેલા અગ્ની જેવી સ્થિતિ છે. સુરતના મેયર અને સ્થાયી અધ્યક્ષે મુખ્યમંત્રીને રજુઆત કર્યા બાદ રહેણાંક મિલ્કત પરથી રિઝર્વેશન હટી જશે તેવો હકારાત્મક પ્રતિભાવ અપાયો હતો અને જે કબ્જા લીધા છે તે પણ પાછા મળી જશે તેવી બાહેધરી આપવામાં આવી હતી. જોકે, હજી સુધી રિઝર્વશન હટાવવા માટેની કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી કે પાલિકાએ જે કબ્જા લીધા હતા તે પણ પાછા અપાયા નથી. જેના કારણે અસરગ્રસ્તોની ધીરજ ખુટી છે. તેઓએ ફરીથી ચીમકી ઉચ્ચારી છે કે, આ રિર્ઝવેશન ઈરાદા પુવર્ક મુકાયા હતા તે તાત્કાલિક હટાવવા માટે સત્તાવાર જાહેરાત કરવામાં નવી આવે તો આંદોલન ફરીથી સક્રિય બનશે.
સુરત પાલિકાના કતારગામ ઝોનમાં ટીપી સ્કીમ નંબર 49-50 અને 51માં રહેણાંક વિસ્તારમાં રિઝર્વેશન મુકાયા હતા. આ રિઝર્વેશન કતારગામના ધારાસભ્ય વિનોદ મોરડીયા શહેરી વિકાસ મંત્રી બન્યા ત્યારે હટાવી લેવાયા હતા. પરંતુ બીજી વખત મત્રીમંડળની રચના થયાં બાદ ફરીથી આ રહેણાંક મિલ્કતો પર રિઝર્વેશન મુકી દેવામાં આવ્યા હતા. આ રિઝર્વેશન લોકોની રહેણાંક સોસાયટી, સોસાયટીની વાડી અથવા ખુલ્લા કોમન પ્લોટ પર મુકી દેવાતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળતો હતો. દરમિયાન પાલિકાએ અચાનક જ અનામત પ્લોટનો કબ્જો લેવા માટેની કામગીરી શરુ કરતાં આંદોલન શરૂ થયું હતું.
કતારગામ વિસ્તારમાં આંદોલન શરૂ થયું હતું ત્યારે લોકોએ ભેગા મળીને જો રિઝર્વેશન ન હટાવાવમાં આવે તો આગામી ચુંટણીમાં બતાવી દેવાની ચીમકી આપી હતી. જે સોસાયટીના પ્લોટ પર રિઝર્વેશન મુકાયા હતા તે સોસાયટીઓ એક થઈ ગઈ હતી અને સોસાયટી પર પહેરો ગોઠવી પાલિકા કબ્જો લે તો લેન્ડ ગ્રેબીંગનો ગુનો નોંધવા માટે પણ પડકાર ફેંક્યો હતો. આગામી ભવિષ્યમાં પાલિાકની ચુંટણી આવે છે અને તેનો સીધો લાભ વિપક્ષને મળે તેમ હોવાથી મેયર-સ્થાયી અધ્યક્ષ મુખ્યમત્રીને મળ્યા હતા અને મુખ્યમત્રીએ રહેણાંક વિસ્તારમાંતી રિઝર્વેશન હટાવવા માટે હકારાત્મક અભિગમ અપનાવા કહ્યાની ખાતરી આપી હતી.
જોકે, આ ખાતરી બાદ પણ અસરગ્રસ્ત લોકો ભયમા જીવી રહ્યાં છે તેઓ એવું કહે છે કે સરકાર કે પાલિકા લેખિતમાં કોઈ વાત કરતી નથી. દરમિયાન ચુંટણી જાહેર થાય અને આચાર સંહિતા લાગુ પડી જાય તો ફરીથી કોકડું ગુંચવાઈ અને લોકોની હેરાનગતિ વધી શકે છે. આવી સ્થિતિમાં આજે રિઝર્વેશન પીડિત સોસાયટીના લોકોએ ભેગા મળીને પાલિકાના અધિકારી-પદાધિકારીઓને આવેદનપત્ર આપી રિઝર્વેશન હટાવવાની જાહેરાત સત્તાવાર લેખિતમાં કરવામાં આવે તેવી માંગણી કરી હતી.
અસરગ્રસ્ત લોકએ એવી પણ રજુઆત કરી હતી કે હાલ થોડા સમય પહેલા પાલિકા દ્વારા કબ્જા લેવામા આવ્યા છે તે પરત આપવાની વાત કરી હતી પરંતુ હજી સુધી કબ્જા પાછા મળ્યા નથી. દરમિયાન જો ચુંટણી જાહેર થાય તો આચારસંહિતા લાગુ પડે અને રિઝર્વેશન નહી હટે તો દોઢ લાખથી વધુ લોકોને અસર પહોંચે તેમ છે. વધુમાં આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, આ તમામ રિઝર્વેશન ઇરાદાપૂર્વક મુકવામા આવ્યા છે તે જો તાત્કાલિક ધોરણે રદ કરવામાં નહિ આવે તો આંદોલન ફરીથી સક્રિય કરવામા આવશે.