Vadodara MS University : એમ.એસ.યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીના પૂર્વ વિદ્યાર્થીઓએ ફેકલ્ટીને 50 લાખ રૂપિયાની સહાય કરવાનું નક્કી કર્યુ છે. આગામી દિવસોમાં આ માટે યુનિવર્સિટી સત્તાધીશો સાથે એમઓયુ કરવામાં આવશે.
ભારત તેમજ અમેરિકા સહિત અન્ય દેશોમાં સ્થાયી થયેલા એમ.એસ.યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થીઓએ એમએસયુ વિઝન-2020 નામથી એક ગ્રુપ બનાવ્યું છે. જેમાં સામેલ પૂર્વ વિદ્યાર્થીઓ ટેકનોલોજી ફેકલ્ટીમાં ભણતા વિદ્યાર્થીઓને મેન્ટરશિપ પ્રોગ્રામ હેઠળ માર્ગદર્શન આપે છે. સ્ટાર્ટ અપ માટે પણ સહાય પૂરી પાડે છે.
હવે આ ગ્રુપે ફેકલ્ટીને 50 લાખ રૂપિયાની સહાય આપવા માટેનો નિર્ણય એક ઓનલાઈન બેઠકમાં લીધો છે. જેમાં યુનિવર્સિટીના ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલર પ્રો.ધનેશ પટેલ પણ હાજર હતા. આ સહાયમાંથી ફેકલ્ટીના વિવિધ વિભાગોમાં જરુરિયાત પ્રમાણે શૈક્ષણિક સાધનોની ખરીદી કરાશે તેમજ વિદ્યાર્થીઓ માટે ફેકલ્ટીની સુવિધાઓમાં વધારો કરવામાં આવશે. પ્રો.પટેલે કહ્યું હતું કે, પૂર્વ વિદ્યાર્થીઓ દર વર્ષે 50 લાખ રૂપિયાની સહાય કરવાના છે. આમ ફેકલ્ટીને માળખાકીય સુવિધાઓ વધારવામાં તેના કારણે ઘણી મદદ મળશે.