મુંબઈ : અમેરિકાની આયાતમાં ભારતના હિસ્સામાં વધારો થયો છે જ્યારે ચીનનો હિસ્સો ઘટી રહ્યાનું જોવા મળી રહ્યું છે. અમેરિકાના સેન્સ બ્યુરો ડેટા પ્રમાણે વર્તમાન વર્ષના મે સુધીમાં અમેરિકાની આયાતમાં ભારતનો હિસ્સો જે ગયા વર્ષના આ ગાળા સુધીમાં ૨.૯૦ ટકા હતો તે વધી ૩.૧૦ ટકા પહોંચી ગયો છે. ચીનના હિસ્સામાં ૨.૭૦ ટકા ઘટાડો જોવા મળ્યો છે. ઈલેકટ્રોનિકસ, ટેકસટાઈલ તથા એડવાન્સ ટેકનોલોજીમાં ભારતનો હિસ્સો વધી રહ્યો છે.
હાલમાં ચાલી રહેલી ટેરિફ વોરને કારણે અમેરિકાની આયાતમાં ચીનના ભોગે ભારતને લાભ થઈ રહ્યો છે ખાસ કરીને ભારતના ટેકસટાઈલ તથા ઈલેકટ્રોનિકસ ક્ષેત્રને લાભ જોવા મળી રહ્યો છે.
એડવાન્સ ટેકનોલોજી પ્રોડકટમાં ચીનનું પ્રભુત્વ ઘટી રહ્યું છે. અમેરિકાના એડવાન્સ ટેકનોલોજી પ્રોડટકસની આયાતમાં ચીનનો હિસ્સો જે ૨૦૨૪ના મે સુધીમાં ૧૪.૫૦ ટકા રહ્યો હતો તે ૨૦૨૫ના આ ગાળા સુધીમાં નોંધપાત્ર ઘટી ૫.૮૦ ટકા પર આવી ગયો છે. બીજી બાજુ ભારતનો આ પ્રોડકટસનો હિસ્સા આ ગાળામાં ૨.૩૦ ટકા પરથી સહેજ વધી ૩.૫૦ ટકા પર આવી ગયો છે.
ઈલેકટ્રોનિકસ માલસામાનમાં પણ ચીનના ભોગે ભારતને મોટો લાભ જોવા મળ્યો છે. અમેરિકાની ઈલેકટ્રોનિકસ માલસામાનની આયાત જૂન થી મેના ગાળામાં જોરદાર ઘટી ૧૧ ટકા પર આવી ગઈ છે જ્યારે આ સેગમેન્ટમાં ભારતનો હિસ્સો ૩.૫૦ ટકાથી વધી ૭.૨૦ ટકા રહ્યો છે.
અમેરિકામાં ભારત ખાતેથી મોબાઈલ ફોન્સ તથા સોલાર સેલ્સની નિકાસમાં વધારો જોવા મળ્યો છે. ભારતની જેમ વિયેતનામ તથા મેક્સિકો પણ અન્ય લાભકર્તા દેશ બની રહ્યા છે. ટેકસટાઈલમાં ભારતનો હિસ્સો આ ગાળામાં ૯ ટકા પરથી વધી ૧૨ ટકા પર પહોંચી ગયો છે જ્યારે ચીનનો હિસ્સો ૨૭ ટકા પરથી ઘટી ૧૪ ટકા પર આવી ગયો છે.
અમેરિકન બજાર ભાવની બાબતમાં એકદમ સંવેદનશીલ હોવાનું ટેકસટાઈલની નિકાસમાં ભારતના હિસ્સામાં થયેલા વધારા અને ચીનના હિસ્સામાં થયેલા ઘટાડા પરથી કહી શકાય એમ છે.
અત્રે ઉલ્લેખનિય છે કે અમેરિકન પ્રમુખ દ્વારા શરૂ કરાયેલી ટેરિફ વોરનું ચિત્ર હજુ સ્પષ્ટ થયું નથી આમ છતાં અમેરિકાના આયાતકારો પોતાના પરંપરાગત પૂરવઠેદારો ઉપરાંત નવા પૂરવઠેદારોની અત્યારથી શોધમાં જોવા મળી રહ્યા છે.