બાકી મિલકત વેરા માટે કોર્પોરેશનની કડક ઉઘરાણી
ચાલુ વર્ષે રૃા.૭૨.૯૩ કરોડની વસૂલાત બાદ પણ બાકીદારો સામે સિલિંગનું હથિયાર ઉગામવામાં આવ્યું
ગાંધીનગર : ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ચાલુ વર્ષ દરમિયાન મિલકત
વેરા પેટે ૭૫ ટકા ઉપરાંતની વસુલાત થઈ જવા પામી છે. અત્યાર સુધીમાં ૧,૨૦,૭૦૩ મિલકત ધારકો
દ્વારા ૭૨.૯૩ કરોડનો વેરો ભરી દેવામાં આવ્યો છે. ત્યારે આખરી નોટિસ બાદ પણ વેરો
નહીં ભરવા આવેલા ઝુંડાલ અને ભાટમાં ૯૯ જેટલા મિલકત ધારકોની મિલકત સીલ કરી દેવામાં
આવી છે.
પાટનગર ગાંધીનગર શહેરની મહાનગરપાલિકાનું વિસ્તરણ થયા બાદ
હાલ ૧.૭૫ લાખ કરતા વધુ મિલકતોનો સમાવેશ થઈ ગયો છે ત્યારે મહાનગરપાલિકાની મિલકત
વેરા શાખાને પણ જંગી આવક થઈ રહી છે. ચાલુ વર્ષ દરમિયાન મિલકત વેરો વસૂલવા માટે
મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલી કામગીરીને પગલે અત્યાર સુધીમાં ૧,૨૦,૭૦૩ મિલકત ધારકો
દ્વારા ૭૨.૯૩ કરોડ રૃપિયાનો વેરો ભરી દેવામાં આવ્યો છે. જેમાં ૫૯,૦૫૧ જેટલા મિલકત
ધારકોએ ૨૮.૮૩ કરોડ રૃપિયાનો વેરો ઓનલાઈન માધ્યમથી ભરી દીધો છે તો મિલકત વેરાની
વસુલાત કરવા માટે સમય મર્યાદામાં વેરો નહી ભરતા એક લાખ રૃપિયા કરતા વધુ રકમના ૬૩૯
જેટલા બાકીદારોને પ્રથમ અને અંતિમ નોટિસ આપવામાં આવી હતી અને તેના કારણે ૧૩ કરોડ
રૃપિયાની બાકી વસુલાત કરી લેવામાં આવી હતી. અંતિમ નોટિસ બાદ પણ વેરો ભરવા નહીં
આવેલા મિલકત ધારકોની મિલકત ટાંચમાં લેવાની પ્રક્રિયા શરૃ કરી દેવામાં આવી છે અને
તેની સાથે મિલકતો સીલ કરવામાં આવી રહી છે. ત્યારે આજે મિલકત વેરા વસુલાત માટે
સીલીંગ ઝુંબેશના ભાગરૃપે ગાંધીનગર મહાનગરપાલિકાની હદ વિસ્તારમાં આવેલા ઝુંડાલ
વિસ્તારના સરજુ એરેના કોમ્પ્લેક્ષની ૮૦ મિલકતો તેમજ ભાટ ખાતે આવેલ રાધે ફોરચ્યુન
કોમ્પલેક્ષની ૧૯ મિલકતોને સીલ કરવામાં આવી તથા ૨૧ જેટલી મિલકતોના વેરાની સ્થળ ઉપર
જ વસુલાત કરવામાં આવી હતી. હજી આગામી દિવસમાં પણ વેરો નહીં ભરનાર મિલકત ધારકોની
મિલકત સીલ કરવામાં આવનાર છે. ચાલુ નાણાકીય વર્ષમાં મિલકત વેરો ભરવા માટે હવે મિલકત
ધારકો પાસે ફક્ત બે દિવસ જ રહ્યા છે.