Jagdeep Dhankhar Resign: ભારતના ઉપરાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપ્યા બાદ જગદીપ ધનખડ અને સરકાર વચ્ચેના સંઘર્ષને લઈને અનેક અટકળો શરૂ થઈ ચુકી છે. કહેવામાં આવી રહ્યું છે કે, બંને પક્ષો વચ્ચે પહેલાં પણ અનેક મુદ્દા પર મતભેદ રહ્યા છે. જોકે, આ વિશે સરકાર અથવા ધનખડ દ્વારા કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી. હાલ, ECI (ચૂંટણી પંચે)એ દેશના બીજા સૌથી મોટા પદ માટે ચૂંટણીની તૈયારીઓ તેજ કરી દીધી છે.
જગદીપ ધનખડે કરી અમેરિકન ઉપ પ્રમુખ સાથે બેઠકની કરી માંગ?
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ધનખડ અને સરકાર વચ્ચે અનેકવાર તણાવ રહ્યો છે. એવામાં અમેરિકાના ઉપ પ્રમુખ જેડી વેન્સ જ્યારે ભારતની મુલાકાતે આવી રહ્યા હતા, ત્યારે ધનખડે કથિત રીતે કહ્યું હતું કે, ‘હું પણ ઉપરાષ્ટ્રપતિ છું અને તેમની સમકક્ષ છું. હું તેમની સાથે ઉચ્ચ સ્તરીય બેઠક કરીશ.’
આ પણ વાંચોઃ અજમેર દરગાહ મામલે નાજિમની નોટિસથી વિવાદ, કહ્યું – ‘કોઈ દુર્ઘટના થાય તો જવાબદાર…’
કેબિનેટ મંત્રીએ કર્યો ઈનકાર
આ વિશે સૂત્રોએ જણાવ્યું કે, વરિષ્ઠ કેબિનેટ મંત્રીએ ધનખડ સાથે વાત કરી અને તેમને જણાવ્યું કે, વેન્સ ભલે અમેરિકન ઉપ પ્રમુખ છે, પરંતુ તે અમેરિકાના પ્રમુખનો સંદેશ વડાપ્રધાન માટે લઈને આવી રહ્યા છે. જોકે, આ મામલે કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નહતું.
કાફલાને અપગ્રેડ કરવાની માંગ
આ સિવાય સૂત્રોએ એવું પણ જણાવ્યું કે, ધનખડ ઈચ્છતા હતા કે, મંત્રીઓની ઓફિસમાં તેમનો ફોટો પણ વડાપ્રધાન અને રાષ્ટ્રપતિની સાથે લગાવવામાં આવે. તેમણે અનેકવાર એવી ઈચ્છા વ્યક્ત કરી હતી કે, તેમના કાફલાને અપગ્રેડ કરી તેમાં મર્સિડીઝ બેન્જ કારોને સામેલ કરવામાં આવે. જોકે, હજુ સુધી એ સ્પષ્ટ નથી કે, પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અથવા તેમની ઓફિસ તરફથી આ વિશે કોઈ માંગ કરવામાં આવી હતી કે નહીં.
આ પણ વાંચોઃ એક્સ્ટ્રા મેરિટલ અફેર્સ મામલે દિલ્હી-મુંબઈને પછાડી નાનકડું શહેર દેશભરમાં ટોચે
ચૂંટણીની તૈયારી
ચૂંટણી પંચે બુધવારે જાહેર કરેલી એક પ્રેસ નોટમાં કહ્યું કે, નવા ઉપ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે તૈયારી શરૂ કરી દેવામાં આવી છે અને તૈયારી પૂરી થયા બાદ ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરવામાં આવશે.