કમિશનરની સૂચના બાદ દબાણ વિભાગની કાર્યવાહી
મહાગુજરાત વિસ્તારમાં કાચા બાંધકામથી બનતી દુકાનો ઉપર બુલડોઝર ફેરવાયું
નડિયાદ: નડિયાદ શહેરમાં ગેરકાયદે કાચા બાંધકામથી ઉભી થઈ રહેલી ચાર દુકાનો પર મનપાએ આજે બુલડોઝર ફેરવી દીધું છે. ત્યારે શહેરમાં અન્ય ગેરકાયદે બાંધકામો અંગે તંત્ર ક્યારે કાર્યવાહી કરશે તેવા સવાલો લોકો કરી રહ્યા છે.
નડિયાદ શહેરમાં મહાગુજરાત વિસ્તારથી વાણિયાવાડ તરફના રોડ પર કેટલાક ઈસમો દ્વારા મનપાની પૂર્વ મંજૂરી વિના અને કોઈ પણ જાતની પરવાનગી મેળવ્યા વગર ગેરકાયદે દુકાનો ઉભી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. આ બાબત કમિશનરના ધ્યાને આવી હતી. બાદમાં ત્વરિત દબાણ વિભાગને આ દુકાનોનું બાંધકામ દૂર કરવા આદેશ કર્યો હતો. જે બાદ દબાણ વિભાગે સ્થળ પર પહોંચી અને ચાર દુકાનોના કાચા બાંધકામને તોડી પાડયું હતું. આ દુકાનોનું સંપૂર્ણ બાંધકામ થાય અને ત્યાં ધંધો ધમધમે તે પહેલા જ તંત્રએ એક્શન લઈ ગેરકાયદે બાંધકામ કરતા ઈસમોને ચેતવણી આપી દીધી છે. જો કે, આ વચ્ચે શહેરમાં અન્ય આવા ગેરકાયદે બાંધકામો અંગે મનપા તંત્ર હાથ પર હાથ ધરી કેમ બેસી રહ્યુ છે? તે પણ સવાલ છે. ગેરકાયદે બાંધકામો દૂર કરવાની પણ અનેક અરજીઓ મનપા પાસે પેન્ડિંગ પડી છે પરંતુ, તેનો નિકાલ કરવામાં કોઈ રસ દાખવવામાં આવતો ન હોવાની ફરિયાદો પણ ઉઠી છે.