ભરતનગર પોલીસ મથકમાં ગુનો નોંધાયો
ટોપ થ્રી સર્કલથી નવા રિંગ રોડ વચ્ચે અવાવરું જગ્યામાં દુષ્કર્મ આચરનારાને પોલીસે ઝડપી લીધો
ભાવનગર: શહેરના અધેવાડ વિસ્તારમાં રહેતાં શખ્સે શહેરમાં રહેતી એક યુવતીને અવાવરું જગ્યાએ લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચરી પરિવારને ધમકી આપી નાસી છૂટયો હતો. બનાવના પગલે પોલીસે ફરિયાદ નોંધી શખ્સને ઝડપી લીધો હતો.
બનાવની વિગત એવી છે કે, શહેરની એક ૧૮ વર્ષિય યુવતીને અધેવાડા વિસ્તારમાં રહેતા સુનિલ રમેશભાઈ ચુડાસમા નામના યુવક સાથે પ્રેમસંબંધ હતો.દરમિયાનમાં ગત તા.૧થી ૨૫ માર્ચ દરમિયાનના સમયગાળામાં શખ્સે યુવતી સાથેના ફોટા સોશિયલ મીડિયામાં અપલોડ કરી દેવાની ધમકી આપી હતી અને શહેરના ટોપ-થ્રી સર્કલથી નવા રિંગ રોડ સુધીના વિસ્તારમાં આવેલી અવાવરૂં જગ્યામાં બે વખત લઈ જઈ ત્યાં બળજબરીથી શરીર સંબંધ બાંધ્યો હતો. આ પણ અધુરૂં હોય તેમ શખ્સે યુવતીના ઘરે જઈ તેણીના માતા પિતાને અપશબ્દો કહી ધમકી પણ આપી હતી. બનાવને લઈ યુવતીએ ભરતનગર પોલીસ મથકમાં ઉક્ત શખ્સ વિરૂદ્ધ દુષ્કર્મ ગુજારી પરિવારને ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુન્હો નોંધી ગણતરીના કલાકોમાં શખ્સને ઝડપી પાડયો હતો.