– માંકવા એક્સપ્રેસ હાઈવે બ્રિજના છેડેથી
– 20 હજારના ગાંજા સહિત 81 હજારનો મુદ્દામાલ જપ્ત, સણસોલીના શખ્સો સામે ગુનો
નડિયાદ : માંકવા સીમમાંથી પસાર થતા અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ હાઈવેના બ્રિજના છેડેથી રિક્ષામાં ૨.૦૨૦ કિ.ગ્રા. ગાંજાના જથ્થા સાથે બે શખ્સોને ખેડા એસઓજીએ ઝડપી પાડયા હતા. આ બનાવ અંગે મહેમદાવાદ પોલીસે નાર્કો. હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
એસ.ઓ.જી. ખેડા પોલીસ ગઈકાલે સાંજે પેટ્રોલિંગમાં હતી. દરમિયાન મહેમદાવાદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં રહેતા વિષ્ણુભાઇ ફતાભાઇ પરમાર ઉં.વ.૪૨ (રહે. સણસોલી, બોગજીપુરા, તા.મહેમદાવાદ) તેમજ મિનેષકુમાર બાબુભાઇ પરમાર ઉં.વ.૨૭ (રહે. સણસોલી, તા.મહેમદાવાદ) રીક્ષામાં વનસ્પતિજન્ય ગાંજાનો જથ્થો રાખી ખાનગી રાહે હેરા-ફેરી કરે છે. જે માહિતીના આધારે એસ.ઓ.જી પોલીસે માંકવા સીમમાંથી પસાર થતા એક્સપ્રેસ હાઈવે પરથી રિક્ષાને ઝડપી પાડી હતી.
રીક્ષામાંથી ગાંજો જેનુ વજન ૨.૦૨૦ કિલોગ્રામ કિંમત રૂ. ૨૦,૨૦૦ તથા બે મોબાઇલ કિં.રૂ.૧૦,૦૦૦, રોકડ રૂ. ૯૬૦ તથા રીક્ષા કિંમત રૂ.૫૦,૦૦૦ સાથે મળી કુલ રૂ.૮૧,૧૬૦ના મુદ્દામાલ સાથે બે શખ્સોને ઝડપી પાડયા હતા. આરોપીઓની પૂછપરછ કરતા ગાંજો રાજસ્થાનના બાંસવાડાના કચરૂલાલ લક્ષ્મણલાલ પાસેથી લાવ્યા હોવાનું કબૂલ્યું હતું. બનાવ અંગે એસઓજી ખેડા પોલીસે ત્રણે આરોપીઓ વિરૂધ્ધ મહેમદાવાદ પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો.