Ahmedabad Hit And Run News : અમદાવાદ શહેરમાં માતેલા સાંઢની જેમ દોડતા વાહનોએ નિર્દોષ બે વૃદ્ધ સહિત ચાર લોકોનો ભોગ લીધો હતો. જેમાં હિટ એન્ડ રનમાં હાંસોલમાં ભજનમાંથી પગપાળા ઘરે જતા વૃદ્ધનું અને નાગરવેલ હનુમાન મંદિર પાસે બાઇકની ટક્કરથી વૃદ્ધ સિક્યુંરિટી ગાર્ડનું તથા ચાંદખેડામાં રિક્ષા નીચે કચડતાં યુવકનું મોત થયું હતું. જ્યારે હાંસોલમાં કારની ટક્કરથી એક યુવકનું મોત થયું હતું અને મિત્ર ઘાયલ થયો હતો. અકસ્માતના બનાવોમાં હાંસોલમાં વૃદ્ધને ટક્કર મારીને કાર ચાલક અને ચાંદેખેડામાં યુવક ટક્કર મારીને રિક્ષા ચાલક તથા અમરાઇવાડીમાં વૃદ્ધને ટક્કર મારી બાઇક ચાલક નાસી ગયો હતો. આ બનાવ અંગે ટ્રાફિક પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.
હાંસોલમાં રહેતા વૃદ્ધ તા.26ના રોજ ભાઇ સાથે હાંસોલ ગામમાં મંદિરમાં ભજનમાંથી ઘરે ચાલતા જતા હતા ત્યારે પૂર ઝડપે આવી રહેલા કાર ચાલકે વૃદ્ધને ટક્કર મારી હતી સારવાર દરમિયાન વૃદ્ધનું મોત થયું હતું. બીજા બનાવમાં સરદારનગરમાં રહેતો યુવક તા.26ના રોજ તેમના મિત્ર મહેશ સાથે હાંસોલ ચીકુવાળી પાસે ઉભા હતા ત્યારે એક કાર ચાલકે બન્ને મિત્રોને અડફેટે લેતા મિત્રને ગંભીર ઇજા થતાં હાંસોલમાં રહેતો કાર ચાલક પોતાની કારમાં બેસાડીને સારવાર માટે હોસ્પિટલ લઇ ગયો હતો. જ્યાં સારવાર દરમિયાન મહેશભાઇ મોત થયું હતું.
ત્રીજા બનાવમાં વસ્ત્રાલમાં રહતો યુવક તા. 23ના રોજ રિક્ષામાં બેસીને વિસતથી ચાંદખેડા રોડ ઉપર જતા હતા. ત્યારે ચાંદખેડા પોલીસ સ્ટેશનની સામે રિક્ષા ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા રિક્ષા પલટી ખાઇ જતા યુવકનું રિક્ષા નીચે દબાઇ જતાં ગંભીર ઇજાઓ થઇ હતી. સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. જ્યારે ચોથા બનાવમાં ઓઢવમાં રહેતા અને સિક્યુરિટી તરીકે નોકરી કરતા વૃદ્ધ તા.23ના રોજ નાગરવેલ હનુમાન મંદિર પાસેથી રોડ ક્રોસ કરી રહ્યા હતા તે સમયે બાઇક ચાલકે તેમને અડફેટે લેતા ગંભીર ઇજાઓ થતાં સારવાર દરમિયાન વૃદ્ધનું મોત થયું હતું.