Panchmahal Bridge: વરસાદ પડતાની સાથે જ રાજ્યમાં રોડ અને બ્રિજના કામકાજમાં થતા ભ્રષ્ટાચારની પોલ ખૂલી જતી હોય છે. આવો જ એક અન્ય ભ્રષ્ટાચાર પંચમહાલના ગોધરામાંથી સામે આવ્યો છે. તાજેતરમાં જ કરોડોના ખર્ચે નવનર્માણ પામેલા બ્રિજનો રસ્તો ધોવાઇ ગયો છે. આ બ્રિજના ધોવાણના કારણે શહેરીજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ, બ્રિજ પરથી મોટી સંખ્યામાં લોકો જીવના જોખમે મુસાફરી કરી રહ્યા છે. સ્થાનિકો તાત્કાલિક ધોરણે બ્રિજના સમારકામની માંગ કરી રહ્યા છે.
આ પણ વાંચોઃ લાલપુરના પીપરટોડા ગામમાં ખેડૂતના મકાનને નિશાન બનાવતા તસ્કરો : પોણા લાખની માલમતા ચોરી ગયાની ફરિયાદ
ભ્રષ્ટાચારનો આરોપ
પંચમહાલના ગોધરામાં તાજેતરમાં જ કરોડોના ખર્ચે ભુરાવાવ રેલવે ઓવર બ્રિજ બનાવવામાં આવ્યો હતો. આ બ્રિજ હજુ પહેલા વરસાદમાં જ ધોવાવા લાગ્યો છે. પહેલાં વરસાદમાં જ નવનિર્માણ બ્રિજનો રસ્તો ધોવાઈ જતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકો દ્વારા જ્યારે આ મામલે ફરિયાદ કરવામાં આવી તો તંત્રએ રેલવેના માથે ઠીકરૂ ફોડી પોતાના હાથ ઊંચા કરી દીધા છે. તંત્ર દ્વારા સ્થાનિકોને એવો જવાબ મળ્યો કે, આ બ્રિજ રેલવેના કોન્ટ્રાક્ટરો દ્વારા બનાવવામાં આવ્યો છે, તેથી અમારા કાર્યક્ષેત્રમાં નથી આવતો.
આ પણ વાંચોઃ પંચમહાલ જિલ્લામાં જળાશયો છલકાયા: કડાણા ડેમમાંથી પાણી છોડાતા ખેતરો જળમગ્ન, પાકને ભારે નુકસાન
સ્થાનિકોએ તાત્કાલિક સમારકામની કરી માંગ
આ બ્રિજ પરથી દરરોજ અનેક લોકો અવર-જવર કરે છે. બ્રિજની દયનીય હાલત જોઈને સ્થાનિકો તાત્કાલિક ધોરણે તેના સમારકામની માંગ કરી રહ્યા છે. પરંતુ, તંત્ર દ્વારા આ મુદ્દે કોઈ ધ્યાન આપવામાં આવી રહ્યું નથી અને પ્રજા દર વખતની જેમ પીસાઇ રહી છે.