– મુશળધાર વરસાદમાં ઘૂંટણસમા પાણી ભરાયા
– 40 વર્ષથી ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા છતાં તંત્ર દ્વારા નક્કર કામગીરી નહીં કરાતા હાલાકી
નડિયાદ : નડિયાદ શહેરના નવા ગાજીપુર વાડ વિસ્તારમાં ગતરોજ ખાબકેલા મુશળધાર વરસાદે ગંભીર પરિસ્થિતિ સર્જી છે. આ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવાને કારણે અંદાજે ૬૦ પરિવારો પૈકી ૩૦થી વધુ પરિવારોને પોતાના ઘર છોડી, નજીકની વરીયાળી માર્કેટના શેડ નીચે આશ્રય લેવાની ફરજ પડી છે.
નડિયાદમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વરીયાળી માર્કેટ પાછળ તળાવ નજીક આવેલો નવા ગાજીપુર વાડ, જ્યાં લઘુમતી સમાજના પરિવારો વસવાટ કરે છે, ત્યાં દર વર્ષે ચોમાસામાં વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાય છે. ગતરોજ નડિયાદમાં ૧૧ ઇંચ જેટલો વરસાદ વરસતા આ વિસ્તારમાં પરિસ્થિતિ વણસી હતી. લોકોના ઘરોમાં ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા હતા, જેના પગલે પરિવારોને રાતોરાત જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ લઈને ઘર છોડવું પડયું હતું. અંદાજે ૩૦ જેટલા પરિવારો પોતાના બાળકો અને પરિવાર સાથે કામચલાઉ વસવાટ માટે વરીયાળી માર્કેટના શેડ નીચે પહોંચી ગયા છે. જોકે, વરસાદે વિરામ લેતા પાણી ધીમે ધીમે ઓસરી રહ્યા છે. રહીશોએ જણાવ્યું હતું કે, પાણીના નિકાલની ધીમી ગતિને કારણે તેમના મકાનોમાં દર વર્ષે પાણી ઘૂસી જતા અમે ઘર છોડીને આવીએ છીએ, દર વર્ષે આ પરિસ્થિતિ સર્જાય છે. અમને ઘણી તકલીફો વેઠવી પડે છે. રસોઈ બનાવવામાં તેમજ રાત્રે મહિલાઓને સતત ડર રહે છે. ૪૦ વર્ષથી સમસ્યા હોવા છતાં, તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી નહીં કરવામાં આવતા સ્થાનિકોમાં ભારે આક્રોશ છે. ચોમાસાની તુમાં દર વર્ષે આ પરિવારોને ઘર છોડી હિજરત કરવી પડે છે, છતાં તંત્ર દ્વારા કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી.