વડોદરાઃ ચેસની રમતમાં ભારતીય ખેલાડીઓની આંતરરાષ્ટ્રીય સ્તરે બોલબાલા જોવા મળી રહી છે.તેની વચ્ચે વડોદરાની ચાર વર્ષની બાળકી પણ આ રમતમાં અદભૂત પ્રતિભા દાખવી રહી છે.વડોદરાની અનન્યા ઐયરે આંતરરાષ્ટ્રીય ચેસ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર એશિયાની સૌથી નાની વયની ખેલાડી બની છે.
અનન્યા ચાર વર્ષની ઉંમરે નાની મોટી ૪૦ જેટલી ટુર્નામેન્ટમાં ભાગ લઈ ચૂકી છે.જેમાં બે રાષ્ટ્રીય અને તાજેતરમાં બેંગ્લોરમાં રમાયેલી આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટનો પણ સમાવેશ થાય છે.આ ટુર્નામેન્ટમાં ૨૦૦૦ ખેલાડીઓ હતી.સી કેટેગરીમાં ભાગ લેનાર અનન્યાએ પોતાના આત્મવિશ્વાસ અને નૈસર્ગિક પ્રતિભા થકી દરેકનું ધ્યાન ખેંચ્યું હતું.ટુર્નામેન્ટમાં તે ૯માંથી ૧.૫ રાઉન્ડ જીતી હતી.ચાર વર્ષની અનન્યા ચેસના ટેબલ સુધી પહોંચી નહોતી શકતી એટલે તેને એક પર એક ખુરશી મૂકીને બેસાડવાની વ્યવસ્થા કરવી પડી હતી.
અનન્યાના પિતા અને નેશનલ લેવલના ચેસ પ્લેયર ડોકટર આનંદ ઐયર કહે છે કે, ચાર વર્ષની વય તે મને આસાનીથી હરાવી શકે છે.મને ચેસ રમતા જોઈને ત્રણ વષેની ઉંમરે તેણે કહ્યું હતું કે, મારે પણ રમવું છે.એ પછી તે ૨૮ જેટલી ટુર્નામેન્ટ જીતી ચૂકી છે.તે સાત વર્ષની વયે ગ્રાન્ડ માસ્ટર બને તેવું મારુ સ્વપ્ન છે.બેંગ્લોરમાં રમાયેલી ટુર્નામેન્ટ બાદ ગુજરાતના મુખ્યમંત્રીએ પણ તેને અભિનંદન પાઠવતો પત્ર મોકલ્યો છે.
જૂનિયર કેજીમાં છે પણ ત્રીજા ધોરણના દાખલા ગણી શકે છે
અનન્યા ચેસની સાથે સાથે ગણિત વિષય પર પણ પ્રભુત્વ ધરાવે છે.આ વર્ષે તેણે જૂનિયર કેજીમાં અભ્યાસ શરુ કર્યો છે.અનન્યાના પિતા કહે છે કે સ્કૂલના શિક્ષકોએ મને એવો અભિપ્રાય આપ્યો છે કે અનન્યા ત્રીજા અને ચોથા ધોરણના ગણિતના દાખલા અત્યારે પણ આસાનીથી ગણી શકે છે એટલે તેને હાલમાં સ્કૂલે ના મોકલો તો પણ ચાલે તેમ છે.