– પોરબંદર ક્રાઈમ બ્રાન્ચની ટીમે બે દિવસમાં ભેદ ઉકેલ્યો
– લુટ કર્યા બાદ જે કાંઇ રૂપિયા કે સોનુ મળે તેમાં ૫૦ ટકા ભાગ બનેવીને આપવાનું નક્કી થયું’તું !
પોરબંદર: પોરબંદર નજીકના રાણાકંડોરણાના ધાર વિસ્તારમાં સોમવારે ભરબપોરે ત્રાટકેલા છ ધાડપાડુઓએ ૨૭ તોલા સોનાના દાગીના અને રોકડ સહિત ૨૦ લાખ રૂપિયાની લૂંટ ચલાવી નાશી છૂટતા પોલીસે આરોપીઓને પકડી પાડવાની કવાયત હાથ ધરી હતી. જેમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે અને તમામ છ લૂટારુઓને પકડી લેવામાં આવ્યા છે. લૂંટના આ બનાવમાં એવી ચોકાવનારી વિગત બહાર આવી છે કે જેના ઘરે લૂંટ થાય તેના બનેવીએ જ આ લૂંટ કરાવી છે.
રાજકોટ રહેતા બનેવી સહિત છ શખ્સોની ધરપકડ, રૂા.૧૯.૭૦ લાખનો મુદ્દામાલ કબજે લઈને રિમાન્ડ મેળવવા સહિતની કાર્યવાહી
રાણાકંડોરણાના પુંજાપરા ધાર પાસે ખીજદળની સીમમાં રહેતા અને ખેતીકામ કરતા કરશનભાઈ દેવાણંદભાઈ નંદાણીયા નામના ૬૦ વર્ષીય ખેડૂતે એવી પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે ગત સોમવારે બપોરે પોણા ત્રણેક વાગ્યે ખેતરના દરવાજે છ જેટલા વ્યક્તિઓ આવ્યા હતા અને પરિવારજનો પર ઘાતકી હુમલો કરીને ૨૭ તોલા સોનાના દાગીના અને રોકડ સહિત ૨૦ લાખ રૂપિયાની લૂંટ ચલાવી નાશી છૂટયા હતા. જેની પોલીસને જાણ કરાતા નાકાબંધી કરી હતી.
ચકચારી પ્રકરણમાં પોરબંદર લોકલ ક્રાઈમ બ્રાન્ચે અલગ -અલગ વિસ્તારોમાં ટૂકડીઓને એલર્ટ કરી તપાસ હાથ ધરી હતી. જેમાં બલેનો કારનો આરોપીઓ દ્વારા ઉપયોગ થયો હોવાનું જણાય આવતા તપાસના અંતે એ કાર લઇને આરોપીઓ રાણાવાવ ટી-પોઇન્ટથી ત્રણ પાટીયાના રસ્તેથી નીકળવાના છે, તેવી બાતમી મળતા વોચ ગોઠવી હતી અને શંકાસ્પદ કારને આંતરીને તલાસી લેતા એક બેગમાંથી સોનાના અલગ-અલગ દાગીના તથા રોકડ રકમ મળી હતી. જેથી કારમાં બેઠેલા લોકોની આગવીઢબે પુછતાછ કરતા લૂંટની કબુલાત આપી દીધી હતી.
મુખ્ય આરોપી રવિરાજસિંહ જાડેજા દ્વારા કબુલાત આપી કે પોતાને ફરિયાદીના બનેવી દિલીપ માલદેભાઇ સાંજવા (રહે. રાજકોટ) તથા પ્રફુલભાઇ પ્રભુદાસ ચરાડવા (રહે. રાજકોટ)એ ત્યાં ઘરમાં ૭૦ થી ૮૦ તોલા સોનુ તથા ૧૦ થી ૧૨ લાખ રૂપીયા રોકડા હોવાનું કહીને લોકેશન તથા ઘરના સભ્યો અંગેની વિગતો આપવામાં આવી હતી. લુટ કર્યા બાદ જે કાંઇ રૂપીયા કે સોનુ મળે તેમાં ૫૦ ટકા ભાગ બનેવી દિલીપ તથા સોની પ્રફુલભાઇને આપવાનું નક્કી થયું હતું.
જેથી લૂંટ કરવા માટે રવિરાજસિંહે અમદાવાદ ખાતે રહેતા જતીન અશોકકુમાર પાલ, સિધ્ધેશ્વર દેવજીભાઇ પરમાર, સાહીલ સર્વેશભાઇ યાદવ, નીરજ શિવલાલ ચૌહાણ, વિશાલ મોતીલાલ ચૌધરીને બોલાવીને ગુનાને અંજામ આપ્યો હતો. આખરે પોલીસે બનેવી સહિત છ શખ્સોની ધરપકડ કરીને રિમાન્ડ પર લેવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે.