image : Filephoto
Vadodara : વડોદરા નજીકના અમદાવાદ-મુંબઈ હાઇવે પર જાંબુવા નજીક અવારનવાર ટ્રાફિકજામ સર્જાવાના કારણે વાહનોની લાંબી કતારો લાગતી હોવાના કારણે તંત્ર એક્શનમાં આવ્યું છે.
હાઇવે પર આવેલા વાઘોડિયા બ્રિજ નીચેના હંગામી દબાણો અને બંને બાજુની રોડ સાઇડે આડેધડ પાર્ક કરાતા વિવિધ વાહનો અંગે પોલીસ અને હાઇવે ઓથોરિટીએ કડાક હાથે કામગીરી શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ ગોલ્ડન ચોકડી અને ત્યારબાદ દુમાડ ચોકડી આસપાસના ઓપરેશન બાદ સતત આ ત્રીજું મેગા ઓપરેશન હાથ ધરી તંત્ર દ્વારા બે ટ્રક જેટલો માલ સામાન કબજે લેવાયો હતો.
ઉલ્લેખનીય છે કે, શહેર નજીક દક્ષિણ વિસ્તારમાં જાંબુઆ ખાતે અવારનવાર ટ્રાફિકજામ થતા વાહનોની લાંબી કટારો જામે છે. આ અંગે છેક કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સમક્ષ ફરિયાદો થઈ હતી. ત્યારબાદ એક્શનમાં આવેલા સ્થાનિક તંત્ર, પોલીસ અને ટ્રાફિક પોલીસ સહિત હાઇવે ઓથોરિટી તંત્ર હરકતમાં આવ્યું હતું. પરિણામે છેલ્લા બે દિવસથી ચાલતા મેગા ઓપરેશન બાદ આજે સવારથી અમદાવાદ મુંબઈ વચ્ચેના વાઘોડિયા ઓવરબ્રિજ સહિત આસપાસના વિસ્તારમાં સમગ્ર તંત્ર ત્રાટક્યું હતું.
મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ અને ટ્રાફિક પોલીસ સહિત સ્થાનિક પોલીસે સાથે મળીને કાર્યવાહી શરૂ કરી હતી. વિસ્તારમાં નાના મોટા લારી ગલ્લા પથારા ખુમચા સહિતના હંગામી દબાણો દબાણ શાખાની ટીમે હટાવ્યા હતા. જ્યારે બીજી બાજુ પાલિકા તંત્ર ત્રાટક્યું હોવાની જાણ થતા જ આડેધડ લારી ગલ્લા પથારા ના હંગામી દબાણો કરનારાઓમા ગભરાટ ભરી નાસભાગ મચી હતી. આમ છતાં પણ દબાણ શાખાની ટીમે અન્ય કેટલાક ખાણી પીણીનીલારીઓ, ગલ્લા પથારાવાળાનો બે ટ્રક જેટલો માલ સામાન કબજે કર્યો હતો. તંત્રની આ કામગીરી વખતે આસપાસના દુકાનદારો સહિત વાહન ચાલકો તમાશો જોવા એકત્ર થયા હતા પરંતુ સ્થાનિક પોલીસે સંયમતાપૂર્વક તમામને હટાવ્યા હતા.
જ્યારે બીજી બાજુ આસપાસના બંને બાજુના રોડ રસ્તા પર આડેધડ પાર કરાયેલા નાના મોટા વાહનચાલકોને મેમો ફટકારીને ટ્રાફિક પોલીસે દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે હાઇવે ઓથોરિટી તંત્ર દ્વારા પાલિકા અને પોલીસની કાર્યવાહીમાં મદદ કરી હતી.