Vadodara Corporation : વડોદરા શહેરમાં સમાવિષ્ટ તરસાલી અને મકરપુરા એરફોર્સ પાછળનો વિસ્તાર વધી રહ્યો હોવાથી અને નવા બાંધકામો પણ થતા વિસ્તારમાં નાગરિકોને પાણીની સુવિધા પૂરી પાડવા બુસ્ટીંગ સ્ટેશન બનાવવાનું કામ હાથ ધરવામાં આવશે. સુચીત આઉટ ગ્રોથ વિસ્તારમાં વસ્તી તથા વિસ્તારને ધ્યાનમાં રાખી ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરાયો હતો. જેમાં તરસાલી નવિન વિકસીત વિસ્તારને પાણી પુરું પાડવા માટે 50 લાખ લીટર કેપેસીટીનો ભુગર્ભ સંપ, ફીડર લાઇન, પંપીંગ મશીનરી સહિતની કામગીરી કરવામાં આવશે.
આ કામગીરી પાછળ આશરે વીસ કરોડનો ખર્ચ થશે. આ કામગીરી થતા બુસ્ટિંગ સ્ટેશનની આસપાસના 6 કિલો મીટર વિસ્તારમાં પાણીનું નેટવર્ક સુધરશે બુસ્ટિંગ સ્ટેશનમાં 6 પંપ કામે લગાડવામાં આવશે. પાણીનું આ લાંબાગાળાનું આયોજન છે. બુસ્ટિંગ સ્ટેશનનું કામ 12 મહિનામાં પૂર્ણ કરવાની સમય મર્યાદા છે. જે પૂર્ણ થતાં મકરપુરા એરફોર્સ સ્ટેશનની પાછળ અને તરસાલી વિસ્તારમાં પાણીનું પ્રેશર સુધરશે. બુસ્ટિંગ સ્ટેશનની સાથે સાથે જરૂરી પાણીની લાઈન પણ નાખવાની રહેશે અને આ માટે અમુક જગ્યાએ પાકો રોડ તોડવાની જરૂર પડશે. કોર્પોરેશનની સ્ટેન્ડિંગ સમિતિમાં આ માટેની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે.