– ચૈત્રી નવરાત્રીના બીજા નોરતે
– એસ ટી નિગમ દ્વારા ભક્તો માટે 50 બસ તળેટીથી માંચી સુધી ચલાવાઇ
હાલોલ : ચૈત્રી નવરાત્રીના બીજા નોરતે શક્તિપીઠ પાવાગઢ ખાતે અડધો લાખ ઉપરાંત માઇભક્તો મા કાલિકાના દર્શન માટે ઉમટી પડયા હતા.
પાવાગઢ ડુંગર પર મા કાલિકાના દર્શન માટે વર્ષ દરમિયાન આસો નવરાત્રી, ચૈત્રી નવરાત્રી, આઠમનો હવન તથા જાહેર રજાઓ દરમિયાન ગુજરાત સહિત મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાંથી પણ લાખોની સંખ્યામાં માતાજીના ભક્તો આવે છે.
રવિવારથી શરૂ થયેલી ચૈત્રી નવરાત્રીના બીજા નોરતે પાવાગઢના તમામ જાહેર માર્ગો ઉપર મોટી સંખ્યામાં પગપાળા યાત્રાળુઓ જોવા મળ્યા હતા. મધરાતથી મંદિર પરિસર અને પગથિયા પર ભક્તો માતાજીના દર્શન માટે કલાકો સુધી ઉભા રહ્યા હતા. મંદિરના દ્વાર વહેલી સવારે પાંચ કલાકે ખુલતા માતાજીના જય ઘોષથી મંદિર પરિસર ગુંજી ઊઠયુ હતુ.
ડુંગર પર ખાનગી વાહનો લઈ જવાના જિલ્લા સમાહર્તાના પ્રતિબંધના જાહેરનામાને પગલે એસટી નિગમ દ્વારા પ્રથમ નવરાત્રીએ ૫૦ એસ.ટી બસ તળેટીથી માંચી સુધી ચલાવી હતી. જેમાં બપોરે ૪વાગ્યા સુધી એસટીની ૫૧૬ ટ્રીપમાં ૨૩,૬૦૦ યાત્રાળુઓએ મુસાફરી કરી હતી. જેના પગલે એસટીને રૂ. ૫,૧૧,૨૧૯ ની એસ.ટી નિગમને આવક થઈ હતી.